અમદાવાદઃ પાસના નેતા હાર્દિક પટેલે આજે પાટીદાર સમાજને અનામતને લઈને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે મુલાકાત કરી હતી. હાર્દિકની સાથે અન્ય પાસ કન્વિનર મનોજ પાનારા, ગીતા પટેલ, હેમાંગ પટેલ, બ્રિજેશ પટેલ પણ હાજર રહ્યાં હતાં.હાર્દિકે પાટીદાર સહિત બિન અનામત વર્ગમાં આવતી અન્ય જ્ઞાતિઓ માટે પ્રાઇવેટ બિલ ગુજરાત વિધાનસભામાં રજૂ કરવા બાબતે વિપક્ષના નેતા પરેશ ધાનાણી સમક્ષ રજૂઆત કરી હતી. હાર્દિકે કહ્યું કે, પરેશ ધાનાણીએ આગામી વિધાનસભા સત્રમાં પાટીદાર સમાજને અનામત મળે એ બાબતે પ્રાઈવેટ બીલ રજૂ કરવાની અમારી રજૂઆત ને સ્વીકારી. લીધી છે.
પાટીદાર નેતા સહિત તમામ લોકો ગાંધીનગર ખાતે પરેશ ધાનાણીના નિવાસ્થાન પર પહોંચ્યા હતાં. હાર્દિક પહોંચતાની સાથે જ સરદારના નારા લાગ્યા હતા. આ પહેલા હાર્દિકે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ખાનગી અનામત બિલ લાવીને પાટીદાર પ્રત્યેનો પ્રેમ સાબિત કરે.
હાર્દિક પટેલ સાથેના પાસના કન્વિનરો મળવા પહોંચતા પરેશ ધાનાણીએ તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ધાનાણીએ કહ્યું હતું કે, યુવાનોની વેદનાને વાચા આપવા હાર્દિકની ટીમ અમારી આંગણે આવી છે. અમે તેમનું સ્વાગત કરીએ છીએ.
સત્તામાં રહેલા લોકો નીતિઓ ઘડે તેમાં રહેતી ઉણપને ઉઠાવવાનું કામ વિપક્ષ કરે છે. લાખો યુવાનોની વેદનાને વાચા આપવા માટે બંધારણના દાયરામાં સૌ સાથે મળીને કેવી રીતે આગળ વધી શકીયે તેની ચર્ચા કરીશું.
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, 6 માર્ચ 2018ના રોજ કોંગ્રેસના ચાર સભ્યો દ્વારા પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કર્યું છે. જોકે વિધાનસભામાં આ બિલ હાલ ચર્ચા માટે પડતર છે. પાટીદારો સાથેની ચર્ચા દરમિયાન પરેશ ધાનાણીએ સ્પષ્ટતા કરી હતી કે, કોઈ પણ રીતે અનામતનો લાભ ના મળતાં હોય પરંતુ આર્થિક રીતે પછાત હોય તેવા વર્ગોની જરૂરીયાતોને પણ ધ્યાને લેવા આ બિલમાં વિનંતી કરી હતી.