અક્ષરધામથી વિશ્વની સૌ પ્રથમ ઑનલાઈન ટેલિરોબોટીક કોરોનરી ઇન્ટરવેન્શન સર્જરી થઈ

ગાંધીનગર– ગાંધીનગરના અક્ષરધામ સંકુલમાં ડૉકટર તેજસ પટેલે વિશ્વની સૌ પ્રથમ ટેલિરોબોટીક કોરોનરી ઇન્ટરવેન્શન સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. ડૉ. તેજસ પટેલે અક્ષરધામથી ૩ર કિ.મી. દૂર એક મહિલાની આ સર્જરી અક્ષરધામ બેઠા ઇન્ટરનેટથી કમાન્ડ આપીને ટેલિરોબોટીકસ દ્વારા પૂર્ણ કરાવી છે.મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ આ ઘટનાના સાક્ષી બન્યા હતા, અને જણાવ્યું હતું કે આ ઘટનાને સમગ્ર માનવજાત માટે ઐતિહાસિક ગણાવતાં કહ્યું કે,વિશ્વની પ્રથમ ટેલિરોબોટીક કોરોનરી ઇન્ટરવેન્શન સર્જરી માટે ગાંધીનગર-ગુજરાત નિમિત બન્યા તે સાડા ૬ કરોડ ગુજરાતીઓ માટે ગૌરવની ઘટના છે. તેમણે મેડિકલ વર્લ્ડમાં ઇતિહાસ સર્જનારા ડૉ. તેજસ પટેલ અને ટીમને અભિનંદન પાઠવ્યા હતા.મુખ્યપ્રધાને  જણાવ્યું કે આ ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશનનો ઉપયોગ રાજ્યના છેવાડાના ગરીબ-વંચિત માનવી સુધી પહોચાડીને જરૂરતમંદ વ્યકિતઓની સર્જરી શસ્ત્રક્રિયા પાર પાડવામાં ગુજરાત સરકાર ડૉ. તેજસ પટેલની તજ્જ્ઞતાના સહયોગથી આગળ વધવા વિચારાધીન રહેશે.રુપાણીએ અક્ષરધામને ધર્મ અને વિજ્ઞાનના સમન્વયકારી સ્થાન વર્ણવતા ઉમેર્યુ કે, ધર્મ સત્ય તરફ લઇ જાય છે તો વિજ્ઞાન સત્યને સંપૂર્ણ રીતે સાકાર કરીને પ્રસ્તુત કરે છે. એ અર્થમાં આ સર્જરી અક્ષરધામમાંથી થઇ તે જય જવાન-જય કિસાન- જય વિજ્ઞાનને ચરિતાર્થ કરે છે એમ તેમણે ઉમેર્યુ હતું.આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા યુ.એસ.એ.ના તબીબ તજ્જ્ઞ માર્ક પોલાન્ડ, ડૉ. સમીર પંચોલી, અક્ષરધામના સ્વામી ઇશ્વરશરણ સ્વામી, આનંદ સ્વરૂપ સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. તેજસ પટેલે આ ઐતિહાસિક સર્જરીનો શ્રેય આધુનિક જ્ઞાન-વિજ્ઞાન તબીબી ટેકનોલોજી સાથે પ્રમુખ સ્વામી મહારાજના કૃપા આશિષને આપ્યો હતો.