અમદાવાદ – ગુજરાતીઓએ ઈન્કમ ડેક્લેરેશન સ્કીમ (IDS) હેઠળ ચાર મહિનામાં રૂ. 18,000 કરોડની જંગી રકમ ઘોષિત કરી હોવાનું બહાર આવ્યું છે. દેશભરમાં ઘોષિત કરાયેલા કુલ બિનહિસાબી (કાળા) નાણાંનો આ આશરે 29 ટકા હિસ્સો ગણાય.
ગુજરાતમાં કાળા નાણાંની આ જાહેરાત 2016ના જૂન અને સપ્ટેંબર વચ્ચે કરવામાં આવી હતી. મતલબ કે, નોટબંધી લાગુ કરાઈ એ પહેલાં આ રકમ બહાર આવી હતી.
ઉલ્લેખનીય છે કે પ્રોપર્ટી ડીલર મહેશ શાહની રૂ. 13,860 કરોડની ગેરકાયદેસર આવક પકડી પાડવામાં આવી હતી તેની પહેલાં 18,000 કરોડ બહાર આવી ગયા હતા.
એક RTI સવાલનો જવાબ આપવામાં આવકવેરા વિભાગે બે વર્ષ લગાડ્યા છે. વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં લોકોએ IDS હેઠળ 2016ના જૂન-સપ્ટેંબર વચ્ચે કુલ રૂ. 18,000 કરોડની છૂપી આવક ઘોષિત કરી હતી. સ્કીમ હેઠળ કુલ રૂ. 65,250 કરોડની ઘોષણા કરવામાં આવી હતી.
RTI અરજદાર છે, ભરતસિંહ ઝાલા. એમણે 2016ની 21 ડિસેંબરે સવાલ પૂછ્યો હતો કે ગુજરાતમાં કેટલી રકમનું કાળું નાણું બહાર આવ્યું છે.
મહેશ શાહની IDS ઘોષણાને જોકે આવકવેરા વિભાગે રદ કરી હતી, કારણ કે પેમેન્ટના પહેલા જ હપ્તામાં એણે ડીફોલ્ટ કર્યું હતું.