નવી દિલ્હી- જાહેર સ્વાસ્થ્ય સુવિધાઓમાં સ્વચ્છતા, આરોગ્યપ્રદ વાતાવરણ અને ચેપ નિયંત્રણ કરવાની પદ્ધતિમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાતને ત્રણ કાયાકલ્પ એવોર્ડ આપવામાં આવ્યાં છે. કેન્દ્રીય આરોગ્યપ્રધાન જે.પી.નડ્ડાના હસ્તે નેશનલ હેલ્થ મિશન-ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ અંતર્ગત રાજ્યસ્તરે કુલ-૧૮૬ તેમજ રાજકોટની પદ્મકુંવરબા જનરલ હોસ્પિટલ, તાપી જિલ્લાના વ્યારાની જનરલ હોસ્પિટલ તેમજ પાટણ જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર-કુંવારાને રાષ્ટ્રીય સ્તરના કુલ-૩ કાયાકલ્પ એવોર્ડ નેશનલ હેલ્થ મિશન-ગુજરાતના મિશન ડાયરેકટર ડૉ. ગૌરવ દહિયા, અને તેમની ટીમને નવી દિલ્હી ખાતે એનાયત કરવામાં આવ્યાં હતાં.
રાષ્ટ્રીયકક્ષાના આ એવોર્ડ મેળવવા માટે આરોગ્ય સંસ્થા-સુવિધાનો નિભાવ, સ્વચ્છતા અને વ્યક્તિગત સફાઇ, કચરાનું વ્યવસ્થાપન, ચેપ નિયંત્રણ, સહાયક સેવા, વ્યક્તિગત સફાઇને ઉત્તેજન જેવા માપદંડો જરૂરી છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આ કાયાકલ્પ એવોર્ડના એસેસમેન્ટ માટે આરોગ્ય સંસ્થાએ ૭૦ ટકાથી વધુ ગુણ મેળવવા જરૂરી છે.
વધુમાં નેશનલ હેલ્થ મિશન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા કાયાકલ્પનું ઇમ્પ્લિમેન્ટેશન મેડિકલ કોલેજ હોસ્પિટલ, સુપર સ્પેશ્યિાલિસ્ટ હોસ્પિટલ, ડેન્ટલ કોલેજ, મેન્ટલ હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન સામૂહિક આરોગ્ય કેન્દ્ર, અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરે આરોગ્ય સંસ્થાઓમાં આ એવોર્ડ મેળવવા માટેની કામગીરી કરવામાં આવે છે.
જાહેર સ્વાસ્થ્ય સુવિધા વસ્તીના મોટા હિસ્સાની સ્વાસ્થ્ય સંભાળની જરૂરીયાતો પૂર્ણ થવા માટે એક મુખ્ય વ્યવસ્થા છે. જાહેર સ્વાસ્થ્ય સુવિધાઓ માટે સ્વચ્છતાલક્ષી માર્ગદર્શીકાઓ અલગથી જારી કરાયેલી છે. આ દિશામાં થતા પ્રયત્નોને વેગ આપવાના આશયથી નેશનલ હેલ્થ મિશન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય કક્ષાની પહેલ શરૂ કરેલી છે, જેના અંતર્ગત જે જાહેર સ્વાસ્થ્ય સુવિધાઓ સ્વચ્છતા, આરોગ્યપ્રદ વાતાવરણ અને ચેપ નિયંત્રણની ઉચ્ચકક્ષા હાંસલ કરે તેવી આરોગ્ય સંસ્થાઓને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ એનાયત કરવામાં આવે છે.