ગાંધીનગર- રાજ્યની વિધાનસભામાં આજે ગુજરાતના ચૂંટણીપ્રચારમાં એકસમયે ભારે ચર્ચામાં આવેલા મુદ્દાઓ અને કેમ્પેઇનની યાદ કરાવતી કાર્યવાહી જોવા મળી હતી. પશ્ચિમ રેલવેનું વડુંમથક ગુજરાત ખસેડવાની દાયકાઓ જૂની માગણી હવે કેન્દ્રમાં મોદી સરકાર જ છે તો કેમ સંતોષાતી નથી તેવા તીખા વિપક્ષી આક્ષેપને ખાળવાનો પ્રયાસ કરતાં નાયબ સીએમ નિતીન પટેલે એમ જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે વડુંમથક અમદાવાદ ખાતે ખસેડવા યુપીએ સરકારે સ્પષ્ટ ના પાડી હતી એટલે અત્યારે વિલંબ થઇ રહ્યો છે
તેમણે સમજાવવા પ્રયાસ કર્યો કે…
|
નાયબ સીએમે વધુમાં જણાવ્યું કે, પશ્ચિમ રેલવેનું વડુ મથક અમદાવાદ ખાતે ખસેડવા માટે તત્કાલીન યુ.પી.એ. સરકાર દ્વારા શરૂઆતથી જ ના પાડી દેવાઇ હતી. એટલે પાયો જ ખોટો નંખાયો હતો એટલે અત્યારે વિલંબ થઇ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે વારંવાર રજુઆતો કરવામાં આવી છે અને કરવામાં આવી રહી પણ છે.
વિધાનસભા ખાતે પશ્ચિમ રેલવેનું વડુંમથક અમદાવાદ ખસેડવાના પ્રશ્નના પ્રત્યુત્તરમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે ઉમેર્યું કે, આ માટે જે તે સમયે રાજ્યના સાંસદ સી.આર.પાટીલ તથા રાજ્યસભાના સાંસદ દિલીપ પંડ્યા દ્વારા માગણી કરીને લોકસભામાં પણ આ પ્રશ્ને રજૂઆત કરી હતી. છતાં તત્કાલીન રેલપ્રધાને આ માટે ના પાડી હતી કે દાયકાથી આ વ્યવસ્થા ગોઠવાઇ છે એટલે શક્ય નથી. પરંતુ રાજ્યની વિકાસ યાત્રાને ધ્યાને લઇ અમે વૈકલ્પિક વ્યવસ્થા માટે માંગણી કરી રહ્યાં છીએ. રાજ્યમાં બુલેટ ટ્રેન પણ આવી રહી છે એટલા માટે આ અંગે સત્વરે નિર્ણય આવે એ માટે અમારી સરકાર રજૂઆત કરશે.
પટેલે કેન્દ્ર સમક્ષના પડતર પ્રશ્નો અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઉમેર્યું કે, ભૂતકાળમાં કેન્દ્રની યુ.પી.એ. સરકાર દ્વારા ગુજરાતને હળહળતો અન્યાય કરવામાં આવતો હતો. પરંતુ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદીએ સત્તાના સુત્રો સંભાળ્યા બાદ ગુજરાતના મોટાભાગના પ્રશ્નોનો નિકાલ કર્યો છે. જેમાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના પ્રશ્નો હોય કે પછી દરિયાઇ સુરક્ષા, વન વિભાગ અને ક્રુડ ઓઇલ રોયલ્ટી અંગેના પ્રશ્નો હોય, મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે.
ઓ.એન.જી.સી. પાસે ગુજરાતને ક્રૂડ ઓઇલની રોયલ્ટી પેટે જે વળતર લેવાનું હતું એ માટે યુ.પી.એ. સરકારે કંઇ કર્યું નહીં અને આપણે કોર્ટમાં ગયાં હતાં અને જીતી જતાં રૂ.૧૦ હજાર કરોડની રોયલ્ટી ગુજરાતને અપાવવામાં પણ પીએમ નરેન્દ્રભાઇ મોદીની જ મહત્વની ભૂમિકા રહી છે. એટલે ગુજરાતના હિતમાં અમારી સરકાર જે પ્રયાસ કરી રહી છે એમાં હવે કેન્દ્ર સરકાર દ્વારા પૂરતો સહયોગ મળી રહ્યો છે અને મળતો જ રહેશે, એમાં કોઇ શંકાને સ્થાન નથી તેમ પણ પટેલે જણાવ્યું હતું.