બોટાદઃ ગુજરાતના બોટાદ નગરના અરેરાટી ઉપજાવે એવી દુર્ઘટના બની છે. નગરની હદમાં આવેલા કૃષ્ણ સાગર સરોવરમાં સગીર વયનાં પાંચ છોકરાઓનું ગઈ કાલે બપોરે ડૂબી જવાને કારણે મરણ નિપજ્યું છે. આ તમામ કિશોર એકબીજાને બચાવવાનો પ્રયાસ કરતાં ડૂબી ગયાની કરૂણ ઘટના બની છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, કાળઝાળ ગરમીથી બચવા માટે પાંચ મિત્રો કૃષ્ણ સાગર સરોવર ખાતે નાહવા ગયા હતા. એમાંના બે જણ એમાં તરવા પડ્યા હતા, પરંતુ તેઓ ડૂબવા માંડ્યા હતા. એ જોઈને બંનેને બચાવવા માટે કાંઠા પર બેઠેલા એમના બીજા ત્રણ મિત્રોએ પાણીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ કમનસીબે પાંચેય જણ ડૂબી ગયા હતા. આજે વહેલી સવારે પાંચેય જણના મૃતદેહ મળી આવ્યા હતા. તમામ છોકરા 16-17 વર્ષની વયના હતા.
મૃતક કિશોરોનાં નામ છેઃ
એહમદ વઢવાણિયા, અશરફ વઢવાણિયા, જુનૈદ કાજી, અશદ ખંભાતી, ફૈઝાન ગાંજા.
તેઓ બોટાદના મહંમદનગર વિસ્તારના રહેવાસી હતા. આ ભીષણ દુર્ઘટનાને કારણે મૃતકોનાં પરિવારોમાં અને સમાજમાં માતમ છવાઈ ગયો છે.