ગાંધીનગરઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાત પ્રવાસે આવવાના હોવાથી રાજ્ય સરકાર દ્વારા ગુજરાતનું બજેટ પાછું ઠેલવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ પોતાના પ્રથમ ભારત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ ગુજરાતના અમદાવાદમાં આવેલા મોટેરા સ્ટેડિયમ ખાતે પણ આવશે જ્યાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા હવે બજેટ 26 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે.
હકીકતમાં, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ ભારત મુલાકાત પર આવી રહ્યાં છે. આ દરમિયાન તેઓ ગુજરાત પણ આવવાના છે. તેથી ગુજરાત સરકારે બજેટની તારીખને બે દિવસ લંબાવી લીધી છે. પહેલા બજેટ 24 ફેબ્રુઆરીના રોજ રજૂ થવાનું હતું, પરંતુ હવે રાજ્યના નાણામંત્રી 26 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે.
અમેરિકાના રાષ્ટ્રપતિના રૂપમાં ટ્રમ્પનો આ પહેલો ભારત પ્રવાસ હશે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે તેમના ગૃહરાજ્ય ગુજરાતની મુલાકાત કરશે અને મોટેરામાં બનેલ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરશે. વ્હાઈટ હાઉસની જાહેરાતના એક દિવસ બાદ ટ્રમ્પે ભારત મુલાકાત પર કહ્યું કે, હું ભારત જવા માટે ઉત્સુક છું અને આ મહિનાના અંતમાં મારી ભારત મુસાફરીની રાહ જોઈ રહ્યો છું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા ટ્રમ્પે કહ્યું કે, વડાપ્રધાન મોદી મારા મિત્ર છે. તેઓ એક મહાન સજ્જન છે. ટ્રમ્પે કહ્યું કે, તેમણે થોડા દિવસ પહેલા મોદી સાથે વાત કરી અને વાતચીત દરમિયાન વડાપ્રધાને તેઓને જણાવ્યું કે, લાખો લોકો એરપોર્ટથી ક્રિકેટ સ્ટેડિયમ સુધી તેઓનું સ્વાગત કરશે.