સૌર, પવન ઊર્જા ક્ષમતામાં દેશમાં ગુજરાત બીજા સ્થાને

અમદાવાદઃ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત કુલ 8887.72 મેગાવોટ (MW) સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતા અને 9925.72 મેગાવોટ સ્થાપિત પવન ઊર્જા ક્ષમતા સાથે 28 ફેબ્રુઆરી, 2023 સુધીમાં રાષ્ટ્રીય સ્તરે બીજા સ્થાન પર છે. કેન્દ્રીય ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી એન્ડ પાવર મંત્રી આર.કે. સિંહ દ્વારા આ માહિતી રાજ્યસભામાં 28 માર્ચ, 2023એ સાંસદ  પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

મંત્રીના નિવેદન અનુસાર સૌથી વધુ સ્થાપિત સોલાર એનર્જી ઉત્પાદન ક્ષમતા ધરાવતા ટોચનાં પાંચ રાજ્યો રાજસ્થાન (16,405.75 MW), ગુજરાત (8,887.72 MW), કર્ણાટક (8,110.48 MW), તામિલનાડુ (6,536.77 MW) અને તેલંગાણા (4,657.18 MW) છે. નિવેદન અનુસાર મહત્તમ સ્થાપિત પવન ઊર્જા ક્ષમતા ધરાવતા ટોચનાં પાંચ રાજ્યોમાં તામિલનાડુ (9,983.12 MW), ગુજરાત (9,925.72 MW), કર્ણાટક (5,276.05 MW), મહારાષ્ટ્ર (5,012.83 MW) અને રાજસ્થાન (4,681.82 MW) છે.

નથવાણી રિન્યુએબલ એનર્જીના ઇન્સ્ટોલેશન તેમ જ ઉત્પાદન માટે જાહેર કરાયેલાં પ્રોત્સાહનો તેમ જ આ પ્રોત્સાહનો સૌર પેનલ્સ, એલ્યુમિનિયમ ચેનલ્સ, પવનચક્કીઓ વગેરે જેવાં ઉપકરણોના ઉત્પાદકોને લાગુ પડે છે કે કેમ તથા દેશમાં સોલાર અને વિન્ડ એનર્જી ઉત્પાદન કરતાં ટોચનાં પાંચ રાજ્યો વિશે અને દરિયાઈ મોજાંથી કેટલી ઊર્જા ઉત્પન્ન થાય છે તેની વિગતો જાણવા માગતા હતા.

મંત્રીના નિવેદન અનુસાર કેન્દ્ર સરકારના ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય (MNRE) દેશમાં સ્થાનિક રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનના વિકાસ અને સુવિધા માટે સતત નીતિઓ લાવી રહ્યું છે. મંત્રીના નિવેદનમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ભારત સરકાર ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા સોલાર પીવી મોડ્યુલ્સમાં ગીગા વોટ (GW) સ્તરની સ્થાનિક ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવા માટે ઉચ્ચ કાર્યક્ષમતા સોલાર પીવી મોડ્યુલ્સ પરના રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ રૂ. 24,000 કરોડના ખર્ચ સાથે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાનો અમલ કરી રહી છે. આ સ્કીમમાં ઉચ્ચ કાર્યક્ષમતાવાળા સોલાર પીવી મોડ્યુલના ઉત્પાદન અને વેચાણ પર પાંચ વર્ષ માટે પસંદ કરેલા સોલાર પીવી મોડ્યુલ ઉત્પાદકોને પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI) આપવા માટેની જોગવાઈ છે.