ગુજરાત: રાજ્યમાં હવામાન ફરી એકવાર બદલાયું છે. ઉનાળાની શરૂઆત થવા છતાં, ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે. લઘુત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. નલિયા 6.2 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. જોકે, આગામી 24 કલાકમાં ગરમીના તેજી સાથે વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર-પૂર્વ પવનની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીનો માહોલ ફરી જોવા મળ્યો. ગત રાતે પવનની ગતિ વધી જતાં ઠંડીમાં વધારો નોંધાયો હતો. દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 45 થી 50 કિમી પ્રતિ કલાક રહેશે, તેથી માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ છે. નોંધનીય છે કે અમદાવાદમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું આ ઉપરાંત ગાંધીનગરમાં 15.1, કેશોદમાં 13.4, પાટણમાં 14.2, મહેસાણામાં 14.5, ડિસામાં 14.7, પાલનપુરમાં 15.7, સુરેન્દ્રનગરમાં 16.4, વડોદરામાં 17.4, રાજકોટમાં 17.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. માર્ચ મહિનાની શરૂઆત સાથે શિયાળાનો અંત આવી ગયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાને કારણે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ થઈ રહ્યો છે. તેથી, સવારે અને સાંજે હવામાન ઠંડુ રહે છે, જ્યારે બપોરે તીવ્ર ગરમીનો અનુભવ થાય છે. જણાવી દઈએ કે અમદાવામાં 125 વર્ષ બાદ ફેબ્રુઆરીમાં તાપમાનનો રેકોર્ડ તૂટી ગયો, 1901 પછી પહેલી વાર આટલી ગરમી જોવા મળી. વિશ્વ હવામાન સંગઠન (WMO) અને ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર માર્ચથી મે સુધી તીવ્ર ગરમી જોવા મળશે. ગોવા, કોંકણ અને કર્ણાટકમાં ગરમીનું મોજું શરૂ થઈ ગયું છે. પશ્ચિમી વિક્ષેપના કારણે દેશના કેટલાક ભાગોમાં હજી પણ ઠંડા પવનો અને બરફવર્ષા જોવા મળી રહ્યા છે.
