ગાંધીનગર– ઓખી વાવાઝોડું મધ્ય પૂર્વ અને આસપાસના અરબી સમુદ્રના દક્ષિણ પૂર્વીય ક્ષેત્રમાં સક્રિય હતું. જે ઉત્તર પશ્ચિમ દિશા તરફ ૧૮ કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. સંભવિત રીતે તે તા.૫ ડિસેમ્બર, ૨૦૧૭ના મધ્યરાત્રે ડીપ ડિપ્રેશનને કારણે સૂરત નજીક દક્ષિણ ગુજરાતને પાર કરે તેવી ધારણા છે, જેના લીધે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. જેને પગલે હાલ ઘોધા દહેજ વચ્ચેની રો રો ફેરી સર્વિસ સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે.
ગુજરાત તરફ આગળ વધતા તોફાની ચક્રવાતને પગલે ઘોઘા-દહેજ વચ્ચે મુસાફરી કરનારા મુસાફરોની સલામતી માટે તાજેતરમાં શરૂ થયેલી ફેરી સર્વિસને ગુજરાત મેરીટાઇમ બોર્ડએ ઇન્ડિગો સીવેય્સ ધ ફેરી ઓપરેટર્સને તાત્કાલિક અસરથી ફેરી ઓપરેશન્સને સ્થગિત કરવા સૂચન કરેલ છે. આ સંદર્ભે પરિસ્થિતિની તા.પમી ડિસેમ્બર સાંજે સમીક્ષા કરવામાં આવશે અને જો પરિસ્થિતી અનુકૂળ જોવા મળશે તો સેવાઓ તા.૬ઠ્ઠી ડિસેમ્બર-૨૦૧૭થી ફેરી સર્વિસ શરૂ થશે.
નામાંકિત ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનું પ્રથમ ચરણ તા.૨૨મી ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ કાર્યરત કરવામાં આવ્યુ હતું. હાલમાં આ સેવા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતી મજબૂત કડી તરીકે ઊભરી રહી છે. આ સેવા દ્વારા પ્રવાસનો સમય જે પહેલા ૯ કલાક થતો હતો તે ઘટીને માત્ર ૧ કલાકમાં પૂર્ણ કરી શકાય છે. સેવાની સુવિધા માટે બે પેસેન્જર ટર્મિનલનું નિર્માણ કરવામાં આવ્યું છે, એક સુરત નજીક દહેજ ખાતે અને બીજી ભાવનગર નજીક ઘોઘા સ્થિત કાર્યરત છે.