વર્લ્ડ પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ જીતી પારૂલ પરમારે ઈતિહાસ સર્જ્યો

ગાંધીનગર- બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા ઉલ્સાન, સાઉથ કોરિયા ખાતે તા. ૨૧ નવેમ્બરથી ૨૬ નવેમ્બર-૨૦૧૭ દરમિયાન વર્લ્ડ પેરા બેડમિન્ટન ૨૦૧૭માં પારુલ પરમારે શ્રેષ્ઠ પ્રદર્શન સાથે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરી સિંગલ્સ અને ડબલ્સ(SL3) કેટેગરીમાં ૨ ગોલ્ડ મેડલ જીતી દેશને ગૌરવ અપાવ્યું છે. આ ચેમ્પિયનશિપમાં ૪૧ દેશોના દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારત તરફ્થી ૨૪ ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાંથી ગુજરાતના અર્જુન એવોર્ડ અને હાલ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ખાતે ડિસ્ટ્રીક્ટ કોચ તરીકે ફરજ બજાવતાં પારુલ પરમારની પણ આ ટીમમાં પસંદગી થયેલ હતી.ભારતે આ સાથે વર્લ્ડ પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ ૨૦૧૭માં ૨ ગોલ્ડ મેડલ, ૨ સિલ્વર મેડલ અને ૬ બ્રોન્ઝ મેડલ સહિત ૧૦ મેડલ જીત્યા છે. ડિસ્ટ્રીક્ટ કોચ તરીકે ફરજ બજાવવાની સાથે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કરવા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી જે સહયોગ સાંપડયો છે તે માટે પારુલે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતનો આભાર માનતા જણાવ્યુ હતું કે, સ્પર્ધામાં ભાગ લેવા માટે ત્વરિત મંજૂરી અને તાલીમ માટે પૂરતો સમય મળવાથી જ ચિંતામુક્ત થઈને સ્પર્ધામાં ભાગ લઈ શકી.

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતે પારુલ પરમારને તેમની આ સિદ્ધિ અને વર્ષ ૨૦૧૮માં યોજાનાર એશિયન ગેમ્સની તૈયારી માટે શુભેચ્છા પાઠવી હતી.