ગાંઘીનગરઃ જનતાની આશાઅપેક્ષાઓને હવા આપીને નાણાં લૂંટવાના ઇરાદે જે લોકો લોભામણી સ્કીમ્સના સ્કેમ કરતાં હોય છે તેમને ઝડપવા માટે વિવિધસ્તરે પ્રશાસનવિભાગો કાર્યવાહી કરતાં હોય છે. જે અંતરગર્ત થયેલી કામગીરીની ચર્ચા માટે 37મી રાજ્ય સ્તરીય સંકલન સમિતિ (SLCC) ની બેઠકનું ગાંધીનગરમાં આયોજન થયું 30 જૂલાઈએ થયું હતું.
અધિક મુખ્ય સચિવશ્રી (નાણાં વિભાગ) શ્રીઅરવિંદ અગરવાલની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની આ બેઠકમાં ”રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા” (આરબીઆઇ)ના રિજનલ ડિરેક્ટર એસ.કે.પાણીગ્રહી, ગુજરાત રાજ્યના ડીજીપી (સીઆઇડી-ક્રાઇમ એન્ડ રેલ્વે) આશિષ ભાટિયા, નાણાવિભાગના સચિવ મિલિન્દ તોરવણે, રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ એમ.કે.શાહુ, જોઈન્ટ રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ્સ ઓફ સોસાયટીઝ આર.એમ.આસોડીયા, સેબી, માહિતી વિભાગ અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો.
SLCC-એક સંયુક્ત ફોરમ છે, જેની અંતર્ગત ગેરકાયદે નાણાંની હેરાફેરી અને રોકાણ, લોકોને ગેરમાર્ગે દોરીને નાણાંની ઉચાપતો અને અનેકવિધ અનૈતિક રસ્તાઓ આપનાવી લોકોને લોભ-લાલચમાં ફસાવી નાણાં પડાવી લેતા લોકો અંગેની માહિતીની આપ-લે કરીને નાણાં નિયંત્રક સંસ્થાઓ તેને કેવી રીતે રોકી શકે તે અંગે ગંભીર કામગીરી કરવાનો મંચ છે.
આ સમિતિએ કેટલાક કેસની ચર્ચા કરી હતી જે હાલ તપાસના વિવિધ તબક્કાઓ હેઠળ છે. જેમાં પાવર10 માર્કેટિંગ.કોમ, મૅ.કે.વી.ઈશાન માર્કેટિંગ કોપોરેશન, સ્ટાર મલ્ટીપરપઝ કોઓપરેટીવ સોસાયટી, આદર્શ ક્રેડિટ કોઓપરેટીવ સોસાયટી, કોબ્રા ફાઇનાન્સ, રોયલ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ સહિતની કેટલીક સંસ્થાઓનો સમાવેશ થાય છે.
અધિક મુખ્ય સચિવ અગરવાલ દ્વારા આ પ્રકારે લોભામણી સ્કીમ્સ મારફત પૈસા વધુ કમાવી આપતી સંસ્થાઓને ઓળખી લોકોને તેની જાળથી દૂર રહેવાનો આગ્રહ કર્યો હતો. એટલું જ નહિ, આ પ્રકારે વિવિધ માધ્યમોથી લોકોને લલચાવતી જાહેરખબરો અંગે પોલીસ અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ને તુરંત જાણ કરવા માટે અપીલ કરી હતી.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના રિજનલ ડિરેક્ટર પાણીગ્રહીએ સાઇબર ક્રાઇમ અંતર્ગત આ પ્રકારના ગુનાઓ વધી રહ્યા હોઈ તેનું પોલીસ સાથે જરૂરી સંકલન સાધીને સત્વરે નિકાલ કરવા જણાવ્યું હતું આ મામલે ડીજીપી (સીઆઇડી-રેલવે) આશિષ ભાટિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, નાણાંકીય ઉચાપત, લાલચ અને ઠગાઈના અમને પ્રાપ્ત જૂન, ૨૦૧૯ સુધીના ૭૪ કિસ્સાઓ પૈકી ૧૫ ગુનાઓમાં અમે આરોપપત્ર દાખલ કરવામાં સફળ રહ્યા છીએ. આ પૈકીના મોટાભાગના ગુનાઓ ઇકોનોમિક ઑફેંસે વિંગને લગતા છે. ૧૬ કેસમાં તપાસ ચાલુ છે, જયારે બાકીના ગુનાઓ ઉકેલી લેવાયા છે.
આર્થિક ગુન્હા નિવારણ શાખા (ઇકોનોમિક ઑફેંસે વિન્ગ)ને પ્રાપ્ત થતા આ પ્રકારના ગુનાઓની ફરિયાદ જે આઇબીઆઈ દ્વારા પ્રાપ્ત થાય છે તેમાં મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ (એમએલએમ), પ્રાઈઝ ચિટ, સાઇબર ક્રાઇમ, પોન્ઝી સ્કીમ -એકના ડબલ કરવાની ઘટનાઓનો સમાવેશ થાય છે. કૌભાંડીઓને ઝડપથી સજા મળે અને તેથી વધુ લોકોને તેમના નાણાં પરત મળી શકે તેવી અપેક્ષા સાથે કૌભાંડી કારસ્તાનોના ભોગ બનેલાં લોકો અન્ય ફાંદાબાજોને પણ ઝડપી લેવામાં આવે તેની આશામાં છે.