અમદાવાદઃ આજે ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ શહેરના બિસ્માર રસ્તાઓ, ટ્રાફિક અને પાર્કિંગના મુદ્દાને લઈને સુનાવણી થઈ હતી. ગુજરાત હાઈકોર્ટે આ મામલે સરકારને ટકોર કરતા જણાવ્યું કે શહેરમાં અત્યારે ટ્રાફિક ઝૂંબેશ જે ચલાવવામાં આવી રહી છે તે માત્ર કામચલાઉ ધોરણે ન હોવી જોઈએ પરંતુ હંમેશા તેનો અમલ થાય તે જરૂરી છે. તો આ સાથે જ હાઈકોર્ટે જણાવ્યું કે લોકોને વ્યવસ્થિત રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા પણ આપવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં રસ્તાઓની બિસ્માર હાલત, રસ્તે રખડતા ઢોર અને રસ્તાઓ પર કરવામાં આવેલા દબાણોને લઈને હાઈકોર્ટે રાજ્ય સરકાર અને અન્ય વિભાગોને નોટિસ પાઠવી હતી. કોર્ટે સરકારને પાર્કિંગ પોલીસી પર ફરી સર્વે કરવાનો પણ આદેશ કર્યો છે.
હાઈકોર્ટે જણાવ્યું કે અમદાવાદ શહેરમાંથી ટ્રાફિકની સમસ્યાને સાવ દૂર કરવામાં આવે. તો સાથે જ હાઈકોર્ટે પબ્લિક ટ્રાન્સપોર્ટના ડ્રાઈવરોને ટકોર કરી હતી કે તે પોતાની બસો રોડ પર નહી પરંતુ બસ સ્ટેન્ડની અંદર પાર્ક કરે જેનાથી રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ન ઉદભવે. ત્યારે આવતીકાલે આ મુદ્દે કોર્ટ વચગાળાનો આદેશ કરે તેવી શક્યતા છે.
ઢોર પકડવા જતાં લોકો અધિકારીઓ પર હુમલા કરે છે તે મામલે હાઈકોર્ટે કોર્પોરેશનને જણાવ્યું કે કાયદાકીય પગલાઓથી સમસ્યાનો નિકાલ લાવો. હાઈકોર્ટે જણાવ્યું કે શહેરમાં તમામ આયોજનો આગામી 20 વર્ષને ધ્યાનમાં રાખીને કરવામાં આવે અને જો જરૂરીયાત જણાય તો જીડીસીઆરમાં પણ ફેરફાર કરવામાં આવે.