ગુજરાતમાં 74 પોલીસ અધિકારીઓની બદલી કરાઈ

અમદાવાદઃ અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાને ગુજરાતના પોલીસ વડા (ડીજીપી) તરીકે નિયુક્ત કર્યાના એક દિવસ બાદ, શુક્રવારે મોડી રાતે રાજ્ય સરકારે રાજ્યના પોલીસ દળમાં ધરખમ ફેરફારો કર્યા હતા. સરકારે અમદાવાદ, સુરત અને વડોદરા શહેરોમાં નવા પોલીસ કમિશનરોની નિમણૂક કરી છે.

1987ના બેચના આઈપીએસ અધિકારી સંજય શ્રીવાસ્તવ, જેમને હાલમાં જ ડીજી રેન્કમાં બઢતી આપવામાં આવી હતી, એમને અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્રીવાસ્તવ હાલ રાજ્યના ગુપ્તચર અને સીઆઈડી (ક્રાઈમ)ના ડાયરેક્ટર જનરલ તરીકે ફરજ બજાવતા હતા.

સુરતમાં, અજય કુમાર તોમરને નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. એ 1989ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. તોમર હાલ અમદાવાદમાં સ્પેશિયલ પોલીસ કમિશનર (ક્રાઈમ બ્રાન્ચ) પદે છે અને ત્યાંથી એમની બદલી કરાઈ છે.

સુરતના હાલના પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટને વડોદરાના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. એ અનુપમ સિંહ ગેહલોતના અનુગામી બન્યા છે. ગેહલોતને ગુજરાતના ઈન્ટેલિજન્સ વિભાગના ઈન્સ્પેક્ટર જનરલ તરીકે ગાંધીનગર શિફ્ટ કરવામાં આવ્યા છે.

ટી.એસ. બિશ્ટને સીઆઈડી (ક્રાઈમ) અને રેલવેના ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આશરે ડઝન જેટલા પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટની પણ બદલી કરવામાં આવી છે.

વડોદરા, અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ બોર્ડર રેન્જના આઈજી રેન્જના અધિકારી સ્તરે પણ ફેરફારો કરવામાં આવ્યા છે.