ગાંધીનગર– સરકાર દ્વારા નાગરિકોને દીપાવલિની ભેટ આપતાં બાંધકામ નિયમોનું ફેરફાર (GDCR) આખરી જાહેરનામું- ફાઈનલ નોટિફિકેશન મંજૂર કરવામાં આવ્યું છે. આખરી જાહેરનામામાં બાંધકામ વ્યવસાયને વેગ મળે તેવા ક્રાંતિકારી પગલાં ભરવામાં આવ્યાં છે.
શહેરોમાં મકાનો બને તો ગ્રાઉન્ડમાં વધુ ખૂલ્લી જગ્યા ઉપલબ્ધ થાય તેવો આશય રાખી બિલ્ડીંગ હાઇટમાં વધારો આપવામાં આવ્યો છે. આના પરિણામે અમદાવાદ, રાજકોટ, સૂરત જેવા મહાનગરો સહિત વાપી, વલસાડ, નવસારી વગેરે શહેરોમાં વધુ હવા-ઉજાસવાળા મકાનો ઉપલબ્ધ થશે. એટલું જ નહી, અગાઉ ગામ તળમાં રપ ટકા ખૂલ્લી જગ્યા પ્લોટના આગળના ભાગમાં રાખવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું હતું.
આ સંદર્ભમાં પણ સંખ્યાબંધ રજૂઆતો મળી હતી. તેમણે આ રજૂઆતો અંગે પણ હવે એવો નિર્ણય કર્યો છે કે, મકાન આયોજનને ધ્યાને રાખીને ખૂલ્લી જગ્યા છોડવાની છૂટછાટ અપાશે અને નાગરિકો પોતાની જરૂરિયાત મુજબ મકાન બાંધકામ કરી શકશે.
સીએમ હસ્તક શહેરી વિકાસ વિભાગનો હવાલો પણ છે અને તેમણે નવ માસના ટૂંકાગાળામાં જ ૩ર ડ્રાફટ ટી.પી, ર૪ પ્રીલીમનરી ટી.પી, અને રર ફાયનલ ટી.પી. સહિત ૧૦ શહેરોના ડેવલપમેન્ટ પ્લાન મળી ૮૮ જેટલી શહેરી યોજનાઓને મંજૂરી આપી છે. ડિસેમ્બર-ર૦૧૮ સુધીમાં શહેરી યોજનાઓની મંજૂરીમાં શતક-૧૦૦નો આંક પાર કરવા પણ સૂચનાઓ આપી છે.
અમદાવાદની પાસ થઈ આટલી ટીપી
અમદાવાદ મહાનગરની ૪ ડ્રાફટ અને ૧ પ્રારંભિક સહિત કુલ પાંચ ટાઉન પ્લાનીંગ સ્કીમ પણ મંજૂર કરી છે.
આ ડ્રાફટ સ્કીમોમાં (૧) ટી.પી. સ્કીમ નં.૩૦૩ (ખોરજ) (ર) ટી.પી. સ્કીમ નં. ૪૦૯/બ (ઝુંડાલ) અને (૩) ટી.પી. સ્કીમ નં.૪૦૪/અ (સનાથલ) અને (૪) ટી.પી. સ્કીમ નં.૪૩ર (અસલાલી)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત અમદાવાદના પશ્ચિમ વિસ્તારની ટી.પી. નં. ર૩ (વેજલપુર) પ્રીલીમીનરી સ્કીમને પણ મંજૂરી આપવામાં આવેલ છે.