ગાંધીનગર- રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં જમીનોમાં શરતભંગ થવાની ફરિયાદો સંદર્ભના પ્રશ્નનો પ્રત્યુત્તર પાઠવતા પ્રધાન કૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, જમીનોમાં શરતભંગના કિસ્સામાં સરકાર કડકમાં કડક પગલાં ભરશે.જમીન બિનખેતી પરવાનગીમાં દર્શાવેલી નક્કી કરેલી શરતનો ભંગ થતો હોય, જે હેતુ માટે બિનખેતીની મંજૂરી મળી હોય તે હેતુનો ભંગ થતો હોય, ખેતીની જમીનમાં બિનખેતીની મંજૂરી મેળવ્યા વિના બાંધકામ કરેલું હોય, ખેતીની જમીન ચોક્કસ હેતુ માટે ફાળવેલી હોય પરંતુ તે હેતુનો અમલ થતો ન હોય કે રાજ્ય સરકારે આપેલી જમીન જે હેતુ માટે આપેલી હોય તે હેતુ જળવાય નહીં તો જમીનમાં શરતભંગ થયો હોવાનું કહી શકાય. આવા શરતભંગના કિસ્સામાં ફરિયાદ થતાં જ ઝડપથી કાર્યવાહી કરવા અને જરૂર જણાય ત્યાં આવી જમીન રાજ્ય સરકારના કબજામાં લેવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.
વધુ વિગતો આપતાં તેમણે જણાવ્યું કે ગાંધીનગર જિલ્લામાં ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ હેઠળની ૩૦ ફરિયાદો અને ગુજરાત ગણોત વહીવટ અને ખેતી જમીન અધિનિયમ હેઠળ કુલ ૧૪ ફરિયાદો મળી કુલ ૪૪ ફરિયાદો મળી હતી. જેમાં પાંચ કેસોમાં હે.આર. ૫-૭૫-૮૩ ચો.મી. જમીનમાં સરકારી પડતર દાખલ કરવામાં આવેલી છે તથા પાંચ કેસોમાં હે.આરે. પ-૭૫-૮૩ ચો.મી. જમીનનો કબજો સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.