નવી દિલ્હી/અમદાવાદ- ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બની શકે છે, જ્યાં રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને એશિયાઇ સિંહોનો બંનેનો વસવાટ હોય. તાજેતરમાં ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા તાપી જિલ્લાના નીઝર ગામમાં એક વ્યક્તિ પર 25 જુલાઇ બુધવારે વાઘ દ્વારા થયેલા હુમલાએ ગુજરાત રાજયમાં વાઘની મોજૂદગીનો પુરાવો આપ્યો છે.રાજયસભા સાંસદ અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રુપ પ્રેસિડેન્ટ તેમ જ વન્યજીવ પ્રેમી પરિમલ નથવાણીએ અગાઉ જાન્યુઆરી 2017માં ગુજરાતના જંગલમાં વાઘની મોજૂદગી અંગે ગુજરાત સરકાર અને જંગલ વિભાગના અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. પરિમલ નથવાણી એ જણાવ્યુ હતું કે, “વાઘના મળમૂત્રના અવશેષો અને પંજાના નિશાન, વિગેરે સહિતના વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે વાઘની અવર-જવરનો કોરીડોર સ્થાપિત થઈ રહ્યો છે. ” ગુજરાત સરકારને જાન્યુઆરી 2017 માં લખેલા પત્રમાં પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત-મહારાષ્ટ્ર સીમા પર ચેકપોસ્ટમાં નિયુક્ત મહારાષ્ટ્ર પોલીસના બે કોન્સટેબલોએ પણ વાઘને ગુજરાતનાં જંગલ વિસ્તારમાંથી મહારાષ્ટ્રનાં જંગલ વિસ્તારમાં પ્રવેશી અને પરત ગુજરાતનાં જંગલ વિસ્તારમાં જતાં જોયો હતો.
નથવાણીએ જણાવ્યું હતું કે નીઝરના ગ્રામજન પર વાઘ દ્વારા હુમલાની ઘટનાના સમાચારોએ ફરી એકવખત વાઘ ગુજરાતના જંગલમાં વસવાટ કરી રહ્યાં હોવાનું પુરવાર કર્યું છે. “હવે આ યોગ્ય સમય છે જયારે રાજયના વન વિભાગ દ્વારા એશિયાઈ સિંહોની સાથેસાથે વાઘોના સંરક્ષણ પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે. વનવિભાગે આ રાષ્ટ્રીય પ્રાણીની સલામતી ઉપરાંત તેમના ખોરાક માટે તૃણાહારી પ્રાણીઓની સંખ્યા તે વિસ્તારમાં જળવાઈ રહે તે માટે પણ યોગ્ય પગલાં લેવા જરૂરી છે,”
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, ગુજરાત સરકાર માટે પર્યટન ક્ષેત્રનો વિકાસ કરવાની આ ઊજળી તક છે. “વાઘની હાજરી આપણી વન્યજીવ સૃષ્ટિને વધારે સમૃદ્ધ બનાવશે. એ સર્વવિદિત છે કે, ગુજરાતમાં એશિયાઈ સિંહોની હાજરીથી પર્યટન ક્ષેત્રને ખૂબ જ ઉત્તેજન મળ્યું છે. ગુજરાતમાં વાઘના વસવાટથી રાજ્ય પર્યટન ક્ષેત્ર પણ ચોક્કસ ઘણી વધુ ઊંચાઈઓ સર કરશે,” નથવાણીએ કેન્દ્ર સરકાર અને રાજય સરકારના સંબદ્ધ વિભાગને પત્ર લખીને ગુજરાતમાં વાઘના સંરક્ષણ માટે જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવે તેવી અપીલ કરી છે.