કેવું દેખાશે ગુજરાતના મુખ્યમંત્રીનું નવું વિમાન?

અમદાવાદ: ગુજરાતની ભાજપ સરકારે મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબમુખ્યમંત્રી નીતિન પટેલ અને અન્ય વીઆઈપી નેતાઓને હવાઈ મુસાફરી માટે 191 કરોડ રૂપિયાની કિંમતનું એક નવું વિમાન ખરીદ્યુ છે. 12 સીટર આ વિમાન એક વખતમાં 7 હજાર કિલોમીટર સુધીની સફર ખેડી શકે છે. આ વિમાનની ખરીદી પ્રક્રિયા છેલ્લા પાંચ વર્ષથી વિલંબમાં હતી જે આખરે પૂર્ણ થઈ છે. આ મહિનાના ત્રીજા સપ્તાહમાં ‘બોમ્બાર્ડિયર ચેલેન્જર 650’ નામનું આ વિમાન ડિલિવર કરવામાં આવશે.

મુખ્યમંત્રી માટે હાલ જે વિમાનનો ઉપયોગ કરવામાં આવે છે તે 20 વર્ષ જૂનું થઈ ગયું હોવાથી નવું વિમાન ખરીદવામાં આવ્યું છે એમ સિવિલ એવિએશન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

સિવિલ એવિએશનના ડાયરેક્ટર કેપ્ટન અજય ચૌહાણે જણાવ્યું હતું કે નવા વિમાનની ડિલિવરી બાદ વિવિધ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ બે મહિના પછી તેનો ઉપયોગ શરૂ કરવામાં આવશે. હાલ મુખ્યમંત્રી માટે બીચક્રાફ્ટ સુપરકિંગ પ્લેનનો ઉપયોગ કરવામાં આવે છે. જે ટૂંકા અંતર માટે ઉપયોગી છે. જ્યારે નવું વિમાન એક ઉડાનમાં લાંબુ અંતર કાપી શકે છે. બોમ્બાર્ડિયર એ કેનેડાના ક્યુબેક પ્રાંત સ્થિત એવિએશન કંપની છે. કંપનીએ અત્યાર સુધી ચેલેન્જર સિરિઝના કુલ 1100 વિમાન બનાવ્યા છે.

સૌથી પહેલા અમેરિકન ઈનોવેટર બિલ લિયર એ આ બિઝનેસ ચાર્ટરને બનાવ્યું હતું. આ ચેલેન્જર સીરિઝનું પાંચમું વિમાન છે, જે 870 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઊડી શકે છે. નવું વિમાન બે એન્જિન ધરાવે છે. મુખ્યમંત્રીના હાલના વિમાન બીચક્રાફ્ટ સુપરકિંગને 2500 કિમીનું અંતર કાપતા અંદાજે પાંચ કલાકનો સમય લાગતો હતો. જેની સરખામણીમાં નવું વિમાન માત્ર ત્રણ કલાકમાં આટલું અંતર કાપી લેશે.

 

હાલનું વિમાન બીચક્રાફ્ટ સુપરકિંગ 20 વર્ષ જૂનું છે. સિવિલ એવિએશન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે લાંબા અંતરની મુસાફરી માટે પ્રતિ કલાક 1 લાખ કે તેથી વધુ રૂપિયાના દરે ખાનગી વિમાનની સેવા લેવી પડતી હતી. એટલે ખરીદવાનો નિર્ણય કરાયો. જૂના વિમાનમાં રિફ્યુલિંગની સમસ્યા હતી. તેના લીધે એક ઉડાનમાં લાંબુ અંતર કાપી શકાતું નહોતું. જેની સરખામણીમાં નવા વિમાનની ક્ષમતા વધુ છે. હાલના વિમાનની મહત્તમ ક્ષમતા 9ની હોવા છતાં તેમાં ચારથી પાંચ વ્યક્તિ જ પ્રવાસ કરી શકતા હતા.