અભિવાદન સમિતિ કાગળ પર: નમસ્તે ટ્રમ્પ વેબસાઈટ પર

નવી દિલ્હી: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત આગમનને લઈને અહીંના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ તૈયારીઓ વચ્ચે નમસ્તે ટ્રમ્પને લઈને એક વેબસાઈટ બનાવવામાં આવી છે. આ વેબસાઈટનું નામ છે. namastepresidenttrump.in  આ વેબસાઈટ પર લખ્યું છે કે, નમસ્તે પ્રેસિડેન્ટ ટ્રમ્પ. આ ઉપરાંત વેબ પોર્ટલ પર અનેક તસવીરો અને સ્લાઈડ શો સાથે લખ્યું છે કે, અમરિકાના સન્માનનીય રાષ્ટ્રપતિ 24 ફેબ્રુઆરીએ ભારત આવશે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમમાં આપણે ઐતિહાસિક ઈવેન્ટના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ, સાથે જ આપણે આપણી સંસ્કૃતિ, વિવિધતા અને સૌથી પહેલા અતિથિ દેવો ભવ:ની ભાવનાને વૈશ્વિક મંચ પર રજૂ કરવાની અભૂતપૂર્વ તક મળશે. તો તમે #નમસ્તે ટ્રમ્પ કહેવા માટે તૈયાર છો?

ગુજરાત સરકારની ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમિટેડ દ્વારા આ વેબસાઈટને તૈયાર કરવામાં આવી છે. આ વેબસાઈટને તમે ફોલો પણ કરી શકો છો. આ ઉપરાંત ‘નમસ્તે Trump’ નામથી ટ્વિટર અને ફેસબુક પેજ પણ છે. આ બંને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈવેન્ટમાં આમંત્રિત લોકો માટે વિશેષ જાણકારી આપવામાં આવી છે. વેબસાઈટ પર પાસની માહિતી, બેઠક વ્યવસ્થા, શું કરવું શું ન કરવું, મદદ અને ફોલો અસના વિકલ્પો આપવામાં આવ્યા છે.

પાસની માહિતી

બે પ્રકારના પાસ આપવામાં આવ્યા છે ગોલ્ડ અને પ્લેટિનમ. ગોલ્ડ પાસ ધારકોને મોટેરા સ્ટેડિયમ પહોંચવા માટી જીએમડીસી ગ્રાઉન્ડથી એરકન્ડિશન બસની સુવિધા મળશે જેનું એડ્રેસ પણ વેબસાઈટ પર આપવામાં આવ્યું છે. તો પ્લેટિનમ પાસ ધારકોએ મોટેરા સ્ટેડિયમમાં પ્લેટિનમ ગેર મારફતે પ્રવેશ મેળવવાનો રહેશે.

બેઠક વ્યવસ્થા

આ ઉપરાંત ગુજરાતના જૂદા જૂદા જિલ્લામાંથી નમસ્ટે ટ્રમ્પ કાર્યક્રમ માટે આવનારા લોકોની બેઠક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. દરેક જિલ્લાની ઓળખ માટે કલર કોડ આપવામાં આવ્યા છે. જેની અંગેની તમામ માહિતી વેબસાઈટ પર આપવામાં આવી છે.

નમસ્તે ટ્રમ્પમાં આવનારા લોકો માટે પણ આ વેબસાઈટ પર કેટલીક જરૂરી માહિતી આપવામાં આવી છે. જેમાં મેડિકલ સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતીની સાથે કાર્યક્રમ દરમ્યાન ઈમરજન્સી માટે ઉપલબ્ધ સુવિધાઓમાં ડોક્ટરોના નામની સાથે તેમના મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્ટેડિયમમાં જો કોઈ દુર્ઘટના થાય અને આગ લાગે તો કેવી રીતે સુરક્ષિત બહાર આવવું તે અંગે નક્શા સાથે માહિતી આપવામાં આવી છે.

મહત્વનું છે કે, જેવી રીતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અમેરિકામાં હાઉડી મોદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ એવી જ રીતે અમદાવાદ સ્થિત મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને દેશભરમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.