ગાંધીનગર- હાલ રાજ્યમાં આરટીઇ હેઠળ શાળાઓમાં પ્રવેશકાર્ય ચાલે છે ત્યારે રાજ્ય સરકારે ચીમકી આપતાં જણાવ્યું છે કે ખોટા દસ્તાવેજ રજૂ કરી પ્રવેશ મેળવ્યો હશે તો વાલીઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાશે. આરટીઇ પ્રવેશ અંગે પૂરતી ચકાસણી કરવા ડીપીઇઓ-ડીઇઓને સૂચના અપાઇ છે.રાજ્યમાં આર.ટી.ઇ.એક્ટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯માં નબળાં અને વંચિત જૂથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિનામૂલ્યે ધોરણ-૧ માં પ્રવેશ આપવાની કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા વેબપોર્ટલ www.rtegujarat.org પર ઓનલાઇન હાથ ધરવામાં આવી હતી. આ પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીઓ દ્વારા જરૂરી દસ્તાવેજ રજૂ કરી પ્રવેશ મેળવ્યો છે. આ પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીઓ દ્વારા ખોટા દસ્તાવેજ રજૂ કરી પ્રવેશ મેળવ્યાના કિસ્સા જો શિક્ષણ વિભાગના ધ્યાને આવશે તો, આવા વાલીઓ વિરુદ્ધ એફઆઇઆર. દાખલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
રાજ્યના તમામ DPEO અને સબંધિત DEOને પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જે તે જિલ્લાના ઓછામાં ઓછા ૪૦ ટકા પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના દસ્તાવેજ ચકાસવા માટે જણાવાયું છે. આ ચકાસણી દરમિયાન જે વાલી દ્વારા શંકાસ્પદ ડોક્યુમેન્ટ રજૂ કરી પ્રવેશ મેળવ્યો હોવાનું જણાય તો તેવા કિસ્સામાં વાલી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવશે. ઉપરાંત શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯માં એકપણ વાલી ખોટા/શંકાસ્પદ દસ્તાવેજના આધારે પ્રવેશ ન મેળવે તે માટે પૂરતી ચકાસણી કરવા DPEO અને DEOને પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જણાવાયું છે.