અમદાવાદ- પ્રો-કબ્બડી લીગ સિઝન 5ની ફાયનાલિસ્ટ ટીમ ફરી એક વાર ‘ફિરસે ગર્જેગા ગુજરાત’ ના નારા સાથે લડત આપવા સજજ બની છે. આ વખતે PKL-6માં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ નવા અને ઉર્જાવાન ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરશે. લોકોને રોમાંચિત કરવા અને મનોરંજીત કરવા ટીમના ખેલાડીઓ સજ્જ છે.
આગામી 7 ઓક્ટોબરથી પ્રો-કબ્બડી લીગ સિઝન 6 શરૂ થવા જઈ રહી છે. જો ગુજરાતની ટીમની વાત કરવામાં આવે તો રાઈટ કવર સુનિલ કુમારની આગેવાની હેઠળ 9 ઓક્ટોબરના રોજ ચેન્નાઈ ખાતે દિલ્હી દબંગ સામે મેદાનમાં ઉતરશે. આ ઉપરાંત ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ (જીએફજી)ની હોમ લીગ 16થી 23 નવેમ્બર દરમિયાન રમાશે, જેમાં 6 મેચ રમવામાં આવશે.
જીએફજીના કોચ મનપ્રીત સિંઘ જણાવે છે કે અમે યુવાન અને પીઢ ખેલાડીઓની સમતોલ ટીમ બનાવી છે, જે આશાસ્પદ રમત રમશે. અમારી ટીમમાં અનુભવી મહેન્દ્ર રાજપૂત અને કે. પ્રપંજન સંકટના સમયે ટીમને સહાયરૂપ બનશે, જ્યારે પ્રથમ સિઝનના સ્ટાર સચીન અને શુભમ પાલકર જેવા યુવાન ખેલાડીઓ વિરોધી ટીમને ઝડપી રેઈડીંગ દ્વારા વેરવિખેર કરવાની ક્ષમતા ધરાવે છે. મને વિશ્વાસ છે કે ગત સિઝનની જેમ જ આ વખતે પણ અમને ભવ્ય સફળતા હાંસલ થશે. આગામી PKL-6 માં નવા પડકારો છે. કેટલીક બાબતો અમને પ્રથમ સિઝનમાં ચિંતાનજક જણાઈ હતી,પરંતુ આ વર્ષે અમે આકરી પ્રેકટીસ કરી તેમાં સુધારો કર્યો છે.
જીએફજીના સીઈઓ સંજય આદેસરા જણાવે છે કે પ્રથમ સિઝનમાં અદ્દભૂત સફળતા અને પર્ફોર્મન્સ આપ્યા બાદ અમે અમારા ચાહકોની વધતી જતી સંખ્યા સાથે ફરીથી જોડાવાનું આયોજન કર્યું છે અને તેમને જીએફજીનો હિસ્સો બનાવીશું. આ વર્ષે અમે પુરૂષો, સ્ત્રીઓ અને બાળકો માટેની ફેશન રેન્જ તથા સ્ટેશનરી અને સંઘરવા જેવી ચીજો બહાર પાડી છે. મને વિશ્વાસ છે કે ખેલાડીઓ કબ્બડીના ચાહકોનું દિલ જીતવાનું ચાલુ રાખશે.