ગીરના સિંહો પરથી સંકટ ટળ્યું: 453 સિંહ તંદુરસ્ત હાલતમાં, 7 સિંહોમાં સામાન્ય ઇજા

જૂનાગઢ- તાજેતરમાં જ ગીર અને પૂર્વ ધારી વિસ્તારના દલખાણીયા રેન્જમાં 8 બાળ સિંહ સહિત કુલ ૧૪ સિંહોના ટેરીટોરિયલ ઇનફાઇટિંગ, ઇન્ફેક્શન તેમજ ઇજાના કારણે મૃત્યુ નોંધાયા હતાં જે ઘટનાને રાજ્ય સરકારે અત્યંત સંવેદનશીલતાથી લઇને સિંહોના સ્વાસ્થ્યની જાળવણી માટે ૨૩મી સપ્ટેમ્બરથી સાવચેતીના પગલાંરૂપે રાજ્યના વન વિભાગ દ્વારા સઘન ચકાસણી ઝુંબેશ હાથ ધરી છે. આ દરમિયાન ૧૦૪૫ ચો.કિ.મી. ગીર રક્ષિત વિસ્તાર અને ૬૯૫ ચો.કિ.મી. ગીર બહારનો વિસ્તાર મળી કુલ ૧૭૪૦ ચો.કિ.મી. વિસ્તારની ચકાસણી હાલ પૂર્ણ કરાઇ છે.

આ ચકાસણી દરમિયાન અત્યાર સુધીમાં ૪૬૦ સિંહો જોવા મળ્યાં છે. તે પૈકી ૪૫૩ સિંહ સંપૂર્ણ સ્વસ્થ અને તંદુરસ્ત હાલતમાં જોવા મળ્યા છે, જ્યારે ૭ સિંહોમાં સામાન્ય ઇજા જોવા મળી છે.

આજે વન વિભાગની ૧૪૦ ટીમના ફોરેસ્ટ ગાર્ડ, ફોરેસ્ટર, ટ્રેકર મળી કુલ ૫૮૫ કર્મચારી દ્વારા ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન વિભાગ હસ્તકના ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર અભયારણ્ય તથા તેને સંલગ્ન વિસ્તાર પૈકી આશરે ૯૫૪ ચો.કિ.મી. વિસ્તારની ચકાસણી પૂર્ણ કરી લેવામાં આવી છે, જેમાં ૫૫૪ ચો.કિ.મી. ગીર રક્ષિત વિસ્તાર અને ૪૦૦ ચો.કિ.મી. ગીર બહારના  વિસ્તારનો સમાવેશ થાય છે.

આ ચકાસણી દરમિયાન ૨૯૬ સિંહો જોવા મળ્યા છે. જે માંથી ફક્ત ૩ સિંહોમાં સામાન્ય ઇજા જોવા મળેલ જ્યારે બાકીના ૨૯૩ સિંહ સારી અને તંદુરસ્ત હાલતમાં જોવા મળ્યા છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભ્યારણના સંલગ્ન વિસ્તારમાં સામાન્ય ઇજાવાળા ૨ સિંહને સ્થળ ઉપર જ સારવાર આપીને સ્થળ ઉપર જ છોડી મુકવામાં આવ્યા છે. જ્યારે ભાવનગરના રેવન્યુ વિસ્તારમાંથી સામાન્ય ઇજા ધરાવતા ૧ સિંહને રેસ્ક્યુ સેન્ટરમાં લાવવામાં આવ્યો છે.

દલખાણીયા રેન્જના સરસીયા વીડીના જે વિસ્તારમાં ૧૪ સિંહના મૃત્યુનો બનાવ બન્યો હતો. ત્યાંથી ૩ સિંહ, ૩ સિંહણ અને ૧ સિંહબાળ એમ કુલ ૭ સિંહને પકડવામાં આવ્યા છે. આ પકડાયેલ તમામ ૭ સિંહ સારી અને તંદુરસ્ત હાલતમાં દેખાયા છે. તેને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે અને તેની આરોગ્ય ચકાસણીની કામગીરી હાથ ઉપર લેવાશે. અગાઉ મૃત્યું પામેલ ૨ બાળ સિંહના સેમ્પલની વેટરનરી કોલેજ, જુનાગઢમાં મોલીક્યુલર વાયરોલોજીની પદ્ધતિથી ચકાસણી કરાવતા તેમાં સીડી (કેનાઇલ ડીસ્ટેમ્પર) નથી તેવો રીપોર્ટ મળ્યો છે. સિંહોની હાજરી વાળા વિસ્તારની ચકાસણી ઝુંબેશમાં કાર્યરત તમામ ટીમો દ્વારા બાકીના વિસ્તારની ચકાસણીની કામગીરી હજુ ચાલુ છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]