ગાંધીનગર- રાહત નિયામક અને અધિક સચિવ મનોજ કોઠારીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં પડેલા મૂશળધાર વરસાદના કારણે પૂરમાં ફસાયેલા અત્યાર સુધીમાં અંદાજે ૩,૪૭૯ લોકોનું સ્થાનિક વહીવટી તંત્ર તેમજ NDRFના સંયુક્ત પ્રયાસોથી રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ગુજરાતમાં ભારે વરસાદના કારણે આકાશી વીજળી પડવાથી ૧૦, પાણીમાં ડુબી જવાથી ૧૧ અને અન્ય કારણોસર ૯ એમ અત્યાર સુધીમાં કુલ ૩૦ માનવ મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૧૨૫ પશુ મૃત્યુ થયા છે. આ ઉપરાંત વરસાદના કારણે ભાવનગર જિલ્લામાં ૧૮, જામનગરમાં ૩, દેવભૂમિ દ્વારકામાં ૪૪, ગીર સોમનાથમાં ૩૪, જૂનાગઢમાં ૬, કચ્છમાં ૮ એમ કુલ ૧૧૩ ગામોમાં વીજપૂરવઠો ખોરવાયો છે, જેને બનતી ત્વરાએ પૂર્વવત કરવાની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં હાલ ૨ નેશનલ હાઇવે, ૧૨ સ્ટેટ હાઇવે, ૨૦૨ પંચાયત હસ્તકના તેમજ અન્ય ૧૩ એમ કુલ ૨૨૯ રસ્તાઓ બંધ છે.
રાજ્યમાં પાણી પુરવઠા દ્વારા પાણીની અછત ધરાવતાં કુલ ૩૯ તાલુકાના ૧૪૭ ગામોમાં ૧૯૩ ટેન્કર દ્વારા પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત, અસરગ્રસ્ત જિલ્લામાં પૂરતા પ્રમાણમાં દવાઓ, ક્લોરિન ટેબલેટ, ORS અને જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના કુલ ૧૩ જિલ્લાઓમાં ૪૮,૨૪૪ ક્લોરિનની ગોળીઓનું જ્યારે ૧૨ જિલ્લાઓમાં ૩૧૧૩ ORS ના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે