ગુજરાતમાં પાર્ટી પોપર્સ પર પ્રતિબંધ

અમદાવાદ- રાજ્યભરમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ આવવાની સાથે જ હવે પોપર્સ પર પણ પ્રતિબંધ લદાયો છે. પર્યાવરણ વિભાગનું માનવું છે કે પાર્ટી પોપર્સ કોઈપણ વ્યક્તિના શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પાર્ટી પોપર્સ એટલે કે લાંબી સ્ટિક જેને તળિયાના ભાગેથી ગોળ ફેરવવામાં આવે તો સ્ટિકમાં રહેલો ફટાકડો ફૂટે છે અને બીજા છેડાથી પ્લાસ્ટિકના શાઈની ટુકડાઓ હવામાં ફેંકાય છે. આ પ્રકારના પોપર્સ માણસના સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચાડે છે અને તેનાથી પ્રદૂષણ પણ ફેલાય છે.

એટલે કે હવેથી કોઈપણ પ્રકારની પાર્ટી કે સેલીબ્રેશનમાં પોપર્સ વાપરી શકાશે નહી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાર્ટી અને ફંક્શનમાં વપરાતા પાર્ટી પોપર્સ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

કેન્દ્રીય બોર્ડ દ્વારા ગુજરાત પ્રદૂષણ બોર્ડ તેમજ પ્રદૂષણ નિયંત્રણ કમિટીને જાણ કરવામાં આવી છે કે પોપર્સ પર પ્રતિબંધ મૂકવા માટે કડકાઈથી પાલન કરવામાં આવે.

અમદાવાદ સહિત રાજ્યમાં મોટાભાગના વેપારીઓએ હાલમાં પોપર્સનો સ્ટોક બનાવી રાખ્યો છે. હવે તેમણે પ્રતિબંધનું પાલન કરવું પડશે. જોકે નાના અને છૂટક વેપારીઓ તેમની પાસે રહેલો સ્ટોક ખાલી ન થાય ત્યાં સુધી ચોરી છુપીથી વેચાણ કરશે.