ગુજરાતમાં કોરોનાનો આતંકઃ 105 નવા કેસ, અમદાવાદના 42

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસે રીતસરનો હાંહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોના સતત પ્રસરી રહ્યો છે અને રાજ્યના 23 જિલ્લામાં પહોંચી ગયો છે. કોરોનાના પગલે કચ્છમાં પહેલું મોત થયું છે. આ સાથે જ રાજ્યનો કુલ મૃત્યુઆંક 36 થયો છે. જ્યારે કુલ 871 દર્દીઓમાંથી 64 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે આમ બુધવાર સાંજ સુધીમાં 791 કેસ નોંધાયા હતા અને જે વધીને હવે 871 થયા છે.

રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગઈકાલે રાતથી આજે સવાર સુધી નવા કુલ 105 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 42 નવા કેસ નોંધાયા છે. સુરતમાં 35, વડોદરામાં 6, રાજકોટમાં 3, બનાસકાંઠામાં 4, આણંદમાં 8 , નર્મદામાં 4 અને ગાંધીનગર, ખેડા, પંચમહાલમાં એક એક નવા કેસો નોંધાયા છે. અત્યાર સુધી કુલ 871 કેસ નોંધાયા છે. જેમાં વેન્ટિલેટર ઉપર 5 લોકો છે અને 767 લોકો સ્થિર હાલતમાં સારવાર હેઠળ છે. અમદાવાદમાં જુહાપુરા, જમાલપુર, દાણીલીમડા, મણિનગર, મેઘાણીનગર, સરસપુર અને ગોમતીપુરનો સમાવેશ થાય છે.

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કુલ 871 પોઝિટિવ કેસ થયા છે. રાજ્યમાં કુલ 64 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ નવા મોત સાથે મૃત્યાંક 36 થયો હોવાનું જણાવ્યું છે.

કોરોનાના વધતી જતી ચિંતા સામે ટેસ્ટિંગનું પ્રમાણ વધ્યું છે. અત્યાર સુધી કુલ 20 હજાર 204 ટેસ્ટ થયા છે. ગત 24 કલાકમાં 2971 કેસ ટેસ્ટ કર્યા હતા. જેમાં 177 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના ટેસ્ટનું પ્રમાણ એક મિલિયન પર 267 થાય છે, જે ભારતમાં આંકડો 177 છે. 24 કલાકમાં 2794 નેગેટિવ કેસ થયા છે.