લોકડાઉન વચ્ચે કેદીઓની પરિવાર સાથે ઈ-મુલાકાત

જામનગરઃ કોરોના મહામારી વચ્ચે દેશભરમાં કરાયેલા લોકડાઉનના પરિણામે જેલના કેદીઓને વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારતમાં સૌ પ્રથમ જામનગર જિલ્લા જેલમાં કેદી પણ ડિજિટલનો ઉપયોગ કરવા લાગ્યા અને વીડિયો કોલ મારફતે પરિવાર સાથે ઇ મુલાકાત કરી હતી.

આ ઉપરાંત હાલારની પોસ્ટ ઓફીસે લોકડાઉનમાં કેદીઓ માટે ઇ-મનીઓર્ડર સુવિધા શરૂ કરી છે.

જામનગર જિલ્લા જેલ ખાતે જિલ્લા જેલ અધિક્ષક નાસિરૂદ્દીન લોહારની આગેવાની અને માર્ગદર્શન હેઠળ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને કેદીઓની ઇ મુલાકાત કરાવી હતી. જેલ અધિક્ષક નાસિરૂદ્દીન ચિત્રલેખા ડોટ કોમને કહે છે લોકડાઉનના કારણે કેદીઓની પરિવાર સાથે રૂબરૂ મુલાકાતની સુવિધા બંધ કરી છે ત્યારે આ પરિસ્થિતિમાં કેદીઓ અને એના પરિવારજનો એકમેકને નિહાળી શકે અને એકમેકના સ્વાસ્થ્ય સુખમય હોવાનું જાણી શકે તે આશયથી ગુજરાત જેલ વિભાગ દ્વારા ઇ-મુલાકાત સુવિધા તમામ જેલોમાં શરૂ કરવામાં આવી છે. આ સુવિધાનો લાભ લેવા માટે કેદીઓના વિશ્વભરમાં કોઇપણ જગ્યાએ રહેતા પરિવારજનો, મિત્રો પ્રથમ પોતાના મોબાઈલમાં vidyomobile એપ ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ વેબસાઇટ eprisons.nic.in પર emulakat સેક્શનમાં જઇ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. મુલાકાત રજીસ્ટર થયા બાદ આ દરખાસ્તને જેલ દ્વારા મંજૂરી અપાતા રજીસ્ટ્રેશન કરનારના મોબાઇલ પર લિંક મોકલાશે. આ લીંક ખોલતા વિડીયોકોલ કનેક્ટ થઇ જશે. આમ આ મહામારીના સમયમાં પરિવારના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી લઇ બંદીવાનો ચિંતામુક્ત રહી શકશે. વધુમાં કહે છે લોકડાઉનના અનુસંધાને ઇન્ડિયન પોસ્ટ દ્વારા તેમની સેવાઓમાં કાપ મુકવામાં આવતા હાલ મનીઓર્ડરની સેવા સ્થગિત રાખવામાં આવી છે. જેલમાં રહેલા બંદીવાનો માટે મનીઓર્ડરએ માસિક ખર્ચ માટે બહારથી પૈસા મેળવવાનું એકમાત્ર માધ્યમ છે. ત્યારે જામનગર ડિવિઝનના પોસ્ટ અધિક્ષક ટી.એન મલિક સાથે વિચારણા કરી ઇ-મનીઓર્ડર ચાલુ કર્યા છે. જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાની તમામ પોસ્ટ ઓફિસો અને સબ-પોસ્ટ ઓફિસોએ બંદીવાનોને પરિવારજનો પાસેથી તા.13,15 અને 16 એપ્રિલના સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધીમાં ઇ-મનીઓર્ડર સ્વીકારવાનો સરાહનીય આદેશ કર્યો છે. જેની રકમ રૂ.2000 સુધીની રહેશે. જેના થકી બંદીવાન ભાઈઓને એમને ઉપયોગી જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા માટે તેમના પરિવારજનો તેમને પૈસા મોકલી શકશે. લોકડાઉનમાં આવી સુવિધાની શરૂઆત કરનાર જામનગરની જેલ અને પોસ્ટઓફિસ ભારતની પ્રથમ છે.

જેલમા કેદીઓના સ્વાસ્થને ધ્યાને લઈને સેનિટાઇઝેશન બોકસ જામનગર જિલ્લા જેલના પ્રવેશદ્વારે મુકાયું છે, જેમાંથી સ્ટાફ અને નવા આવતા કેદીઓ પસાર થઈ પોતાને ડિસઇન્ફેક્ટ કર્યા બાદ જ જેલની અંદર પ્રવેશે છે, જેથી જેલની અંદર રહેલા વ્યક્તિઓ પૈકી અન્યને સ્પર્શ કે સંપર્ક કરે તો વાયરસનું સંક્રમણ ના થાય અને સંક્રમણને જેલમાં ફેલાતા અટકાવી શકાય.

(જિતેન્દ્ર રાદડિયા-રાજકોટ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]