75 નગરપાલિકા માટે મતદાન સંપન્ન, 19મીએ પરિણામ

અમદાવાદ- રાજ્યમાં આજે 75 નગરપાલિકાઓની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઇ છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા મહત્તમ બેઠકો હાંસલ કરવા જોરશોરથી ઉમેદવારો માટે પ્રચારકાર્ય કરાયું હતું. કારણ કે આવતાં વર્ષે આવનારી લોકસભા ચૂંટણી માટે આ ચૂંટણીના પરિણામો આધારરુપ બનવાના છે. જેને લઇને બંને રાજકીય પક્ષોએ આ ચૂંટણી જીતવા મહેનત કરી છે. સવારે 8 વાગ્યાથી શરુ થયેલા મતદાનમાં રાજ્યના 19.75 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરવાના છે. પરિણામ 19 ફેબ્રુઆરીએ જાહેર થશે.શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર રાજ્યના શહેરી વિસ્તારોની નગરપાલિકાઓ માટે મતદાન પ્રક્રિયા થઇ રહી છે. મતદાનના આરંભિક  આંકડાઓની વાત કરીએ તો સરેરાશ 15થી 20 ટકા મતદાન થયું છે.ભાવનગર જિલ્લાની 3, રાજકોટ જિલ્લાની 5 નગરપાલિકાઓમાં લોકો સવારથી જ લાઇનોમાં લાગી ગયાં હતાં.

સાબરકાંઠા જિલ્લામાં ઇડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ નગરપાલિકા માટે આશરે 15-16 ટકા મતદાન થઇ ગયું છે.

75 ન.પા. ચૂંટણી સાથે રાજકોટ મનપાના એક વોર્ડમાં પેટાચૂંટણી માટે પણ મતદાન થઇ રહ્યું છે. સમગ્ર મતદાન ઇવીએમ દ્વારા થઇ રહ્યું છે. જેમાં નોટાના ઉપયોગને પણ મંજૂરી અપાઇ છે.આજે કુલ 529 વોર્ડની 2116 બેઠકો માટે 6200 ઉમેદવારના ભાવિ ઇવીએમમાં સીલ થશે. આ ચૂંટણી માટે 15,616 કર્માચારીઓ અને 80 ચૂંટણી અધિકારીઓ કામગીરી બજાવી રહ્યાં છે. તો, સમસ્ત પ્રક્રિયા શાંતિમય માહોલમાં સંપન્ન થાય તે માટે મુખ્ય ચૂંટણી આયોગ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. મતદાન પૂર્ણ થયાં બાદ જે તે જિલ્લાના મથકે મતગણતરી 19 તારીખે હાથ ધરાનાર છે.