વડોદરાઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ પાકિસ્તાનને આતંકવાદનું સમર્થન બંધ કરવા મામલે ચેતવણી આપતા કહ્યું કે હવે પાકિસ્તાને પીઓકે ખોવા માટે પણ તૈયાર રહેવું જોઈએ. મુખ્યપ્રધાન રુપાણીએ વડોદરામાં ભારત એકતા મંચની રેલીને સંબોધિત કરતા આ વાત કહી.
રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું કે ભારત સરકારે આર્ટિકલ 370ને રદ્દ કર્યો છે. હવે POK પણ અમારુ થશે. પાકિસ્તાનને POK ખોઈ બેસવા માટે તૈયાર રહેવું જોઈએ. અખંડ ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા માટે અમે POK માટે આગળ વધવા માટે તૈયાર છીએ. સાથે જ તેમણે કહ્યું કે પાકિસ્તાનને આતંકવાનું સમર્થન કરવાનું બંધ કરી દેવું જોઈએ. ભારત આને સહન નહી કરી લે.
ભારતીય સંસદે જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ 370 ને રદ્દ કરી દીધો હતો અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કરી દીધા હતા. ભારત એકતા મંચની રેલીમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને 1971ના યુદ્ધની પણ યાદ અપાવી, જેમાં ભારતીય સેનાએ બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું હતું. મુખ્યપ્રધાન રુપાણીએ કહ્યું કે, પાકિસ્તાન 1971માં દિલ્હી પર કબ્જો કરવાનો દાવો કરી રહ્યું હતું, પરંતુ તે કરાંચી હારવાના હતા. પાકિસ્તાનનું વિભાજન થઈ ગયું અને બાંગ્લાદેશ બન્યું. પાકિસ્તાનની સેનાએ તે યુદ્ધમાં ભારતીય સેના સામે સરેન્ડર કરવું પડ્યું હતું.