જન્મદિવસે વડાપ્રધાન મોદી ગુજરાતમાંઃ કાંઇક આવો છે કાર્યક્રમ

અમદાવાદઃ ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન આજે રાત્રે 11 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી અને રાજ્યપાલ સહિત મંત્રીમંડળ દ્વારા વડાપ્રધાનનું આજે રાત્રે એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવશે. આવતીકાલે વડાપ્રધાનનો જન્મ દિવસ હોવાથી તેઓ તેમની પરંપરા પ્રમાણે ગાંધીનગરમાં તેમના માતા હિરાબાને મળવા જશે. ત્યારબાદ કેવડિયા કોલોની ખાતે તેઓ નમામિ દેવી નર્મદે મહોત્સવમાં હાજરી આપશે. નર્મદા ડેમની ઉંચાઈ વધાર્યા બાદ અને ઉપરવાસમાં સારા પ્રમાણમાં પડેલા વરસાદના કારણે સરદાર સરોવર ડેમ તેની મહત્તમ ઉંચાઈ આંબી ગયો છે. આ ખુશીના ઉત્સાહને ઉજવવા માટે રાજ્ય સરકાર દ્વારા નમામી દેવી નર્મદે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન

કાલે સવારે 6 વાગ્યે માતા હિરાબાના આશિર્વાદ લેવા જશે

6:35                         હેલિકોપ્ટર મારફતે કેવડિયા રવાના

7:45                         કેવડિયા આગમન

8 થી 9:30                  વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ

9:30 થી 10:00          નર્મદા પૂજન

10:00 થી 11:00        દત્ત મંદિર, ચિલ્ડ્રન, ન્યૂટ્રિશન પાર્કની મુલાકાત

11:00 થી 12:00        જાહેરસભાને સંબોધન

બપોરે 1:15                 ગાંધીનગર પરત

બપોરે 2:30                 રાજભવન ખાતે રોકાણ

બપોરે 2:30 વાગ્યા પછી   વડાપ્રધાન દિલ્હી જવા રવાના થશે         

  

વડાપ્રધાન વહેલી સવારે માતા હીરાબાના આર્શીવાદ લીધા બાદ સવારે 8 વાગ્યે કેવડિયા પહોંચશે. જ્યાં તેઓ સરદાર સરોવર ડેમ જઈને નર્મદા મૈયાના વધામણાં કરશે. પીએમ મોદીના કાર્યક્રમને લઈને કેવડીયામાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. પીએમ મોદી એક જાહેર સભાને સંબોધન કરવાના છે. ત્યારે નર્મદા ડેમની સામે જ એક જાહેર સભાનું આયોજન કરાયું છે. પીએમના આગમન પહેલા સમગ્ર ડેમ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે. 

ચાલુ વર્ષે સારા વરસાદના કારણે નર્મદા ડેમ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. જેને લઈને રાજ્યને અનેક ફાયદા થઈ શકે તેમ છે. નર્મદા ડેમથી ફાયદાની વાત કરીએ તો રાજ્યના 8,215 ગામ અને 135 શહેરી વિસ્તારોને પીવા માટે પાણી પૂરું પાડી શકાશે. હવે ડેમ સંપૂર્ણ ભરાઇ ગયા બાદ હવે ગુજરાતમાં ખેતી તેમજ પીવાના પાણી માટે 6 વર્ષ સુધી કોઈ મુશ્કેલી વેઠવી નહીં પડે. ડેમ સંપૂર્ણ ભરાતા જળવિદ્યુત મથકો પૂરી ક્ષમતા સાથે વીજ ઉત્પાદન કરે તો દૈનિક 1450 મેગાવોટ વીજળી ઉત્પાદિત થઈ શકશે. જેનાથી જળવિદ્યુત મથકની વીજ ક્ષમતા 30% જેટલી વધી જશે. અને કુલ 6000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી શકાશે. ઉત્પન્ન થતી વીજળીના ગુજરાતને 16% મધ્યપ્રદેશને 57% અને મહારાષ્ટ્રને 29 % મળશે. ગુજરાતને ત્રણેય રાજ્ય પૈકી સૌથી ઓછી વીજળી મળવા છતાં પણ રાજ્યમા અંધારપટની સ્થિતિ નહિ રહે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]