ગુજરાત બજેટ 2025-26: ખેડૂતો, કૃષિ, આરોગ્ય અને શિક્ષણ માટે મોટા એલાન

ગુજરાતનું 2025-26 માટેનું બજેટ રજૂ થઈ ચૂક્યું છે. કનુભાઈ દેસાઈ સતત ચોથી વખત ગુજરાત બજેટ રજૂ કર્યું છે. આ વખતે બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઇની બાબતો જેવા મુદ્દાઓ પર ભાર મુકવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ  ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થઈ ગઇ હતી.  રાજ્યપાલે 37 મિનિટના ભાષણમાં રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતાં.

ખેડૂતો માટે મહત્વની જાહેરાતો

  • ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી વાળવામાં ઝેરી જીવજંતુઓ તેમજ જંગલી પ્રાણીઓનો ભય રહેતો હતો. આ મુશ્કેલીઓ અને રાતના ઉજાગરામાંથી મુકત કરવા અમે દિવસે વીજળી આપવા “કિસાન સૂર્યોદય યોજના” અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ રાજ્યના 16683 એટલે કે 97% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું ભગીરથ કાર્ય માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ યોજનાને વધુ સુદ્રઢ કરવા માટે આ બજેટમાં ₹2175 કરોડની ફાળવણી કરું છું.
  • સરદાર સરોવર બંધનું કામ પૂર્ણ થયા બાદ કેનાલ હેઠળના કામો પૂર્ણતાના આરે છે. સરદાર સરોવર યોજનાની 18 લાખ હેક્ટર સિંચાઇ ક્ષમતા સામે 17.22 લાખ હેક્ટર સિંચાઇ વિસ્તાર વિકસિત થયેલ છે. બાકી રહેતા નહેરોના નેટવર્કના કામો પ્રગતિ હેઠળ છે.
  • કેન્દ્રિય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા ₹3 લાખથી વધારી ₹5 લાખ કરવામાં આવેલ છે. જેનો પૂર્ણ પણે અમલ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જે અંતર્ગત 4% વ્યાજ રાહત આપવા માટે ₹1252 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ લોન દર વર્ષે ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડુઓને મળતાં તેઓ પોતાની પ્રવૃત્તિ સમયસર કરી શકે છે.
  • રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાને પ્રાથમિકતા આપેલી છે. પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવાન બનાવવા તેને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે ₹400 કરોડથી વધુની જોગવાઇ સૂચવું છું.
  • કૃષિ ઉત્પાદકતા અને ખેડૂતોની આવક વધારવા માટે અમારી સરકાર કૃષિ-યાંત્રિકીકરણને મહત્વ આપે છે. આ બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરી ₹1 લાખ કરવાની જાહેરાત કરું છું. આ ઉપરાંત ખેડૂતોને વિવિધ ખેતઓજારો, મીની ટ્રેક્ટર, ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા ₹1612 કરોડની જોગવાઇ કરવામાં આવે છે.
  • ઊભા પાકને વન્ય પ્રાણીઓથી રક્ષણ માટે ખેતરની ફરતે ફેન્‍સીંગ બનાવવા માટે ₹500 કરોડની જોગવાઇ સૂચવું છું. કૃષિ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા એગ્રો પ્રોસેસીંગ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન માટે ₹100 કરોડની જોગવાઇ સૂચવું છું. ગ્રામ્ય વિસ્તારોમાં વ્યવસાયની તકો અને આવક વધારવા અમે ખેતીની સાથે સાથે મત્સ્યઉદ્યોગ અને પશુપાલન ઉપર પણ એટલો જ ભાર મૂકી રહ્યાં છીએ.
  • મત્સ્ય ઉત્પાદનમાં વૃદ્ધિ અને રોજગારી સર્જન માટે આ બજેટમાં ₹1622 કરોડના પેકેજની જોગવાઇ કરવામાં આવી છે. જે થકી અંદાજે કુલ 27 હજાર યાંત્રિક-બિનયાંત્રિક બોટ અને 2 લાખ જેટલા માછીમારોને વિવિધ યોજનાઓના લાભ મળશે. જેમાં મુખ્યત્વે માછીમારી માટે માળખાકીય સુવિધાઓનો વિકાસ, સ્ટોરેજ, પ્રોસેસીંગ અને નિકાસ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
  • મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. આથી ખેતીની જમીન પર મત્સ્ય ઉછેર કરવો હોય તેને બિન ખેતીની મંજૂરી લેવી નહીં પડે તેવી નીતિ બનાવવામાં આવશે. “સહકારથી સમૃદ્ધિ” તરફ આગળ વધવા પ્રાથમિક વિષયક સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપી આર્થિક રીતે સક્ષમ બનાવવા જોગવાઇ કરવામાં આવી છે. જેનો લાભ 1 લાખથી વધુ ખેડૂત સભાસદોને મળશે.
  • પશુપાલનથી દૂધ ઉત્પાદન દ્વારા લાખો ખેડૂત પરિવારોને પૂરક આવક થઇ રહેલ છે. ગીર ગાય આપણા રાજ્યનું ગૌરવ અને આગવી ઓળખ છે. જેના સંવર્ધન, સંરક્ષણ અને આનુવાંશિક ઓલાદ સુધારણા માટે પોરબંદરના ધરમપુર ખાતે વિવિધ અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે.ગુજરાત શ્વેત ક્રાંતિની જન્મ ભૂમિ છે. પશુપાલન અને ડેરી ઉદ્યોગ થકી આજે રાજ્યની 11 લાખથી વધુ મહિલા પશુપાલકો સ્વ-રોજગારી મેળવવા ઉપરાંત રાજ્યની પ્રગતિમાં યોગદાન આપી રહેલ છે.