આજથી ભગવાન ભોળનાથ અને દેવોના દેવ મહાદેવનો આરાધના અને સાધાનનો મહિનો એટલે કે શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ જ સોમવાર હોવાથી સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવના દર્શન કરવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા હતા. શ્રાવણના પ્રથમ સોમવારે ભારે ભક્તોની ભીડ જોવા મળી હતી. સૂત્રો પાસેથી મળીતી માહિતી અનુસાર લગભગ 6 કલાકમાં 20 હજાર જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.
સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી જે.ડી.પરમારના હસ્તે 30 દિવસ અવિરત મહામૃત્યુંજય યજ્ઞનો પ્રારંભ કરાવવામાં આવ્યો. આ ઉપરાંત શ્રાવણની પ્રથમ ધ્વજાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે જીએમ વિજયસિંહ ચાવડા, એક્ઝિક્યુટિવ ઓફિસર દિલીપ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર અને ભાવિકો જોડાયા હતા. સોમનાથ મંદિરની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં હજારો ભક્તો હર હર મહાદેવના નાદ સાથે જોડાયા હતા. આ પાલખી યાત્રામાં શિવજીના મુખાર વિંદ સાથે પરીસરમાં ફરી હતી. ત્યારે જાણે સ્વયં મહાદેવ નગરચર્યામાં નીકળ્યા હોય તેવી અનુભૂતિ શિવભક્તોએ કરી હતી.