અમદાવાદ- ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા ઝૂંબેશ ચાલી રહી છે. ત્યારે ગઈકાલે ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં 40 ડોક્ટરો ભાજપમાં જોડાયા. ભાજપમાં જોડાનાર ડોક્ટરોમાં અનેક જાણીતા ડોક્ટર પણ સામેલ છે.
જે ડોક્ટરોએ ભાજપની સભ્યતા મેળવી તેમાં પદ્મશ્રી વિજેતા કાર્ડિયોલોજિસ્ટ ડો. તેજસ પટેલ અને ન્યૂરોલોજિસ્ટ ડો. સુધીર શાહ પણ સામેલ છે. આ ઉપરાંત કેન્સર સર્જન ડો.કૌસ્તુભ પટેલ, આંખોના સર્જન ડો. આશીષ નાગપાલ, સ્પાઈન સર્જન ડો. અરવિંદ ગોસાઈ અને કાર્ડિયોલોજિસ્ટ ડો. સમીર દાનીનો સમાવેશ થાય છે.
એક પછી એક અલગ અલગ ક્ષેત્રના પ્રસિદ્ધ લોકો ગુજરાત ભાજપમાં જોડાવા લાગ્યા છે. તાજેતરમાં સંગીત ક્ષેત્રના ગુજરાત પ્રસિદ્ધ કલાકારો ભાજપમાં જોડાયા હતા. જોકે, હવે મેડિકલ ક્ષેત્રના પ્રસિદ્ધ ડોક્ટરો ગુજરાત ભાજપમાં જોડાયા છે. સંગઠન પર્વ અંતર્ગત કલાકારો બાદ ડોક્ટરો ભાજપમાં જોડાયા છે.
આ દરમિયાન ડોક્ટર સુધીર શાહે કહ્યું તે ભાજપમાં જોડાયને ગર્વ અનુભવી રહ્યા છે. ડોક્ટર શાહે કહ્યું કે, ભાજપની વિચારધારા દેશની સંપ્રભુત્તાનું રક્ષણ કરવું, ઘર્મની પરંપરાને આગળ લઈ જવી, આધ્યાત્મ અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું. ડો. શાહે કહ્યું કે, સરકારે જમ્મુ-કશ્મીર પર લીધેલા નિર્ણય પર ખુશી વ્યક્ત કરી અને અભૂતપૂર્વ નિર્ણય ગણાવ્યો.
મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં ભાજપની આ ઝૂંબેશ હેઠળ ભાજપે 2.20 કરોડ લોકોને પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું લોકો તરફથી મળી રહેલા બહોળા પ્રતિસાદને જોતા સદસ્યતા ઝૂંબેશને 20 ઓગસ્ટ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.