ગુજરાતનું ગૌરવઃ લજ્જા ગોસ્વામીએ ચીનમાં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-2019માં બે ગોલ્ડ મેડલ જીત્યા

અમદાવાદઃ ગુજરાતની વધુ એક દિકરીએ ગુજરાતનું નામ રોશન કર્યું છે. વાત છે લજ્જા ગોસ્વામીની. ગુજરાત પોલીસમાં હથિયારી પોલીસ ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા લજ્જા ગોસ્વામીએ ચીનના ચેંગડુમાં રમાઈ રહેલી વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનું નામ ઝળહળતું કર્યું છે.   આ ઉપરાંત ગઈકાલે ટીમ ઈન્ડિયાને પણ ગોલ્ડ મેડલ મળ્યો જેમાં લજ્જાએ સારુ પ્રદર્શન કર્યું હતું.

અત્યારે ચાઈનામાં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-2019 રમાઈ રહી છે. જેમાં સોમવારે લજ્જાએ 22 સ્પોર્ટ રાયફલ થ્રી પોઝીસન વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. 600 સ્કોરમાંથી સૌથી વધુ 586 સ્કોર મેળવી દેશનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત ચાઈના ખાતે હાલ ચાલી રહેલી આ સ્પર્ધામાં ગુજરાત પોલીસની ટીમે વ્યક્તિગત સ્પર્ધામાં સીલ્વર અને બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો છે. આ ઉપરાંત મંગળવારે યોજાયેલી લેઇંગ પોઝીસન 22 રાયફલ શુટીંગ સ્પર્ધામાં ટીમ ઇન્ટિયાને ગોલ્ડ મેડલ મળ્યો છે. આ ટીમમાં લજ્જા ગોસ્વામી સામેલ હતી. લજ્જા ગોસ્વામીએ 2017માં યુએસએમાં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સમાં ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીતીને વિશ્વભરની પોલીસમાં ગુજરાત પોલીસનું નામ ગુંજતું કર્યુ હતું.

તો 2017માં કેરાલામાં યોજાયેલી ઓલ ઇન્ડીયા પોલીસ ચેમ્પીયનશીપમાં એક ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ હાંસલ કર્યા હતા. વર્ષ 2018માં ઇન્દોર ખાતે ઓલ ઇન્ડીયા પોલીસ ચેમ્પીયનશીપમાં ભાગ લઇ એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ અને વર્ષ 2019માં કેરાલા ખાતે યોજાયેલી ઓલ ઇન્ડીયા પોલીસ ચેમ્પીયનશીપમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા.