ગાંધીનગરઃ રાજ્યમાં આંતર માળખાકીય સવલતોનો વ્યાપ વધે તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમયબદ્ધ આયોજન કરવામાં આવ્યું છે. આના ભાગરુપે પ્રથમ તબક્કામાં આગામી સમયમાં રુપિયા 487 કરોડના ખર્ચે નવા 10 ફ્લાયઓવર બનાવવામાં આવશે.
આ મામલે વાત કરતા રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ઉમેર્યુ કે રાજ્યમાં માર્ગ સુવિધાના કામો ક્ષેત્રે રાજ્ય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. હયાત માર્ગોને પહોળા કરવા, કાચા માર્ગોને પાકા બનાવવા તથા ચાર-માર્ગીય રસ્તા ઉપર આવતા જંકશનો ઉપર ફ્લાય ઓવર બનાવવામાં આવશે. જે હેઠળ ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મુખ્ય માર્ગો પર આ ફ્લાય ઓવર બનશે.
આ અંગે વધુ વિગતો આપતા રાજ્યના નાયબ મુખ્યપ્રધાને ઉમેર્યુ કે ટ્રાફીકના પ્રશ્નોના નિવારણ સંદર્ભે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જે ફ્લાય ઓવરના કામો હાથ ધરાનાર છે તેમાં
(1) આણંદ કરમસદ હાઇવે ઉપર બોરસદ ખાતે રૂ.૪૫ કરોડના ખર્ચે,
(2) સિદ્ધપુરના દેથલી ચાર રસ્તા પર રૂ.૩૫ કરોડના ખર્ચે,
(3) પાટણના નવજીવન હોટલના ચાર રસ્તા પર રૂ.૨૭ કરોડ ખર્ચે,
(4) ભૂજ-લખપત રોડ ઉપર રૂ.૩૬ કરોડ ના ખર્ચે બે ફ્લાય ઓવર
(5) મહેસાણા ના મોઢેરાના ચાર રસ્તા ઉપર રૂ.૧૧૦ કરોડ ખર્ચે,
(6) સૂરત-કડોદરા રોડ ઉપર કડોદરા જંકશન ખાતે રૂ.૧૧૦ કરોડના ખર્ચે,
(7) સૌરાષ્ટ્ર રાજકોટ જામનગર રોડ પરના માધાપર જંકશન પર રૂ.૬૦ કરોડના ખર્ચે,
(8) ગાંધીનગર-અમદાવાદ રોડ ઉપર ધોળાકુવા ખાતે રક્ષાશક્તિ સર્કલ ઉપર રૂ.૫૦ કરોડના ખર્ચે
(9) ગાંધીધામ ટાકોર રોડ ઉપર રૂ.૧૭ કરોડના ખર્ચે ફ્લાય ઓવર બનાવવામાં આવશે.
આગામી સમયમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં નાગરિકોની સગવડ માટે તેમજ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે જરુરિયાત મુજબ નવા ફ્લાય ઓવર બનાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે અને વધુ નવા ઓવરબ્રિજોની ટૂંકસમયમાં મંજૂરી આપવામાં આવશે.