અમદાવાદ: વિદ્યાર્થીઓની રોજગાર ક્ષમતા વધારવા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) વોડાફોન ફાઉન્ડેશન સાથે હાથ મિલાવશે. આગામી 29મી મેએ આ બાબતના કરાર પર સહી સિક્કા કરવામાં આવશે, એવી જાહેરાત જીટીયુના વાઈસ ચાન્સેલર ડૉ. નવીન શેઠે કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી કામકાજમાં ઉપયોગી બને એવા વ્યવહારૂ કૌશલ્યોને જીટીયુ અભ્યાસક્રમમાં આવરી લેશે. વોડાફોન ઈન્ડિયા ફાઉન્ડેશન તરફથી શરૂ કરવામાં આવનારા લર્નિંગ વીથ વોડાફોન કાર્યક્રમમાં આ યોજનાને આવરી લેવામાં આવશે.
આ યોજના અંતર્ગત શિક્ષણ જગતના પડકારો અને સમસ્યાઓ હલ કરવામાં મદદરૂપ બને એવા કૌશલ્યોનો સમાવેશ કરવામાં આવશે. આમાં વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તી સહિતના પ્રોત્સાહન પણ આપવામાં આવશે. જીટીયુ વિદ્યાર્થીઓને સોફ્ટ સ્કીલ, ટીમવર્ક, એટીટ્યુડ અને લિડરશીપ સહિતના વિવિધ કૌશલ્યો પણ શિખવવાની યોજના ઘડી રહી છે, એમ ડૉ. શેઠે ઉમેર્યું હતું.