અમદાવાદમાં ગેરકાયદે રહેતાં 47 બાંગ્લાદેશી ઝડપાયાં

અમદાવાદ- દેશમાં ગુજરાત એ વિકસિત રાજ્ય છે, જેથી અન્ય દેશના લોકો અને અન્ય રાજ્યના લોકો રાજ્યની આર્થિક રાજધાની એવા શહેરમાં રોજગારી મેળવવા આવતાં હોય છે. બાંગ્લાદેશીઓ પણ ગુજરાતમાં મોટીસંખ્યામાં રોજીરોટી મેળવવા આવે છે. આજે સોમવારે અમદાવાદ એસઓજી દ્વારા સ્પેશિઅલ તપાસમાં 47 જેટલા ગેરકાયદે અમદાવાદમાં વસવાટ કરતાં 47 બાંગ્લાદેશીની ધરપકડ કરી છે.

બાંગ્લાદેશના એજન્ટો દ્વારા રૂપિયા 6 હજાર લઈને બોર્ડર ક્રોસ કરીને પશ્ચિમ બંગાળથી ગુજરાતમાં ઘૂસાડવાનું ષડયંત્ર પોલિસ તપાસમાં બહાર આવ્યું છે. એસઓજીના ડીસીપી હર્ષદ પટેલે મીડિયાને માહિતી આપી હતી કે અમદાવાદ શહેરમાં ગેરકાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓને પકડવા માટે સ્પેશયિલ ડ્રાઈવ રાખી હતી, જેમાં 5 પીએસઆઈની આગેવાની હેઠળ ટીમની રચના કરાઈ હતી.

અમદાવાદના ઈસનપુર, શાહઆલમ, ચંડોળા તળાવ, કુબેરનગર, નરોડા, દાણીલીમડા જેવા વિસ્તારોમાં ગેરકાયદે રીતે 47 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જે તમામ લોકો નાના ઝૂંપડા બાંધીને રહેતાં હતાં. તો કેટલાક લોકો ફૂટપાથ પર તંબુ બાંધીને રહેતાં હતાં.

બાંગ્લાદેશમાં રોજગારી નહી મળતી હોવાથી તેઓ રોજગારી માટે આવ્યાં હતાં. અમદાવાદમાં આ બાંગ્લાદેશીઓ છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. શાકભાજીની લારી, કડિયાકામ જેવા કામ કરતાં હતાં. પોલિસ દ્વારા પકડાયેલા 47 બાંગ્લાદેશીઓ 25થી 35 વર્ષની ઉંમરના છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે કે તમામ લોકો દેશ વિરોધી પ્રવૃત્તિમાં કોઈના સંપર્કમાં આવ્યા છે કે નહીં.   

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]