ગુજરાતઃ ૧.૨૨ લાખ ખેડૂતો પાસેથી રૂ.૧૦૩૪ કરોડની મગફળીની ખરીદી કરાઇ

ગાંધીનગર– ગુજરાતમાં મગફળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયુ છે, ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજ્યમાં હાલ ૧૭૩ કેન્દ્રો કાર્યરત છે. જેના દ્વારા દૈનિક ૬ લાખ મણ મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે, એમ અધિક ખેતી નિયામક ગાંધીનગર દ્વારા જણાવાયું છે.અધિક ખેતી નિયામક દ્વારા વધુમાં જણાવ્યા અનુસાર મગફળીના વિપુલ ઉત્પાદનને ધ્યાને રાખીને નાફેડ તથા રાજ્ય સરકારની વિવિધ ખરીદ સંસ્થાઓ દ્વારા તા.૨૨/૧૧/૧૭ સુધી ૨૨૦ કેન્દ્રો શરૂ કરાયા છે, જે પૈકી હાલ ૧૭૩ કેન્દ્રો કાર્યરત છે. જેનાં દ્વારા અત્યાર સુધીમાં ૧,૨૨,૪૪૫ ખેડૂતો પાસેથી રૂા.૧૦૩૪.૬૩ કરોડની ૧૧૫ લાખ મણ જેટલી (ર,ર૯,૮૭૪.૩૨ મે.ટન) મગફળી ખરીદવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે, ખેડૂતોની મગફળી  સારી રીતે ખરીદાય તે માટે ખરીદ કેન્દ્રો પર સંપૂર્ણ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ અંગે ખેડૂતોને કોઇ ફરિયાદ કે મુશ્કેલી ઉભી થાય તો તે માટે ખેતી નિયામકની કચેરીના કંટ્રોલ રૂમના નંબર ૦૭૯/૨૩૨૫૬૨૦૬ તથા નાયબ ખેતી નિયામકના મોબાઇલ નંબર : ૯૪૨૯૭ ૭૭૫૪૧ પર ખેડૂતો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત ગોડાઉન માટે પણ હેલ્પ લાઇન નંબર: ૯૪૨૮૫ ૬૩૪૮૭ / ૯૪૨૮૯ ૫૭૨૬૭ કાર્યરત કરાયો છે, જેનો પણ ખેડૂતો સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિસ્તારની ખરીદી માટે ગુજકોટના એન.એમ.શર્મા મો. ૯૮૨૪૦ ૯૪૯૦૫, ગુજકોમાસોલના મનોજ પટેલ ૯૮૯૮૦ ૧૭૮૯૮, બનાસ ડેરીના નારસંગભાઇ પટેલ ૯૪૨૮૮ ૪૩૭૯૦, સાબર ડેરીના આર.એસ.પટેલ ૯૯૨૫૨ ૪૪૪૬૯ તથા ગુજપ્રોના કૃણાલ પ્રજાપતિ ૯૮૭૯૫ ૭૩૬૩૯નો સંપર્ક પણ ખેડૂતો કરી શકે છે.