અમદાવાદઃ ‘નેશનલ યુથ ડે’ એટલે કે સ્વામી વિવેકાનંદજીની ૧૫૮મી જન્મ જયંતી નિમિત્તે ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા અંગ્રેજી વિભાગ દ્વારા સંચાલિત વિલિયમ શેક્સપિયર સ્ટડી સર્કલ દ્વારા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૭ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. રામકૃષ્ણ મિશનના સ્વામી આત્મદીપાનંદજી મુખ્ય ‘અતિથિ વિશેષ’ તરીકે હતા. સ્વામીજીનો પરિચય સંસ્થાના પ્રિન્સિપાલ ડો. અનુપમ નાગર સરે આપ્યો હતો. સ્વામી આત્મદીપાનંદજીએ પ્રાસંગિક અને ખૂબ જ પ્રેરણાત્મક ઉદબોધન આપ્યું. સ્વામી વિવેકાનંદજીના જીવન વિશેની વિગતવાર માહિતી પોતાની આગવી શૈલીમાં આપી અને વિદ્યાર્થિનીઓને ખૂબ જ ઉપયોગી એવું જીવન જીવવાનું ભાથું પૂરું પાડ્યું.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. ઊર્વી મોઢાએ કર્યું હતું. ડો..નયન ટાંક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તેમ જ આભાર દર્શન ડો. કેતકી પંડ્યાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં આશરે 70 જેટલી વિદ્યાર્થિનીઓ જોડાઈ હતી.
આ વક્તૃત્વ સ્પર્ધાનો મુખ્ય વિષય ‘થ્રી સ્ટેપ્સ ઓફ પેટ્રિઓટિઝમ’ હતો. વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક કુ. અદિતિ દવેએ મેળવ્યો છે કે જે એમ.એ.ની વિદ્યાર્થિની છે. એમ. એ.ની જ વિદ્યાર્થિની કુ.મૈત્રી થાનકીએ દ્વિતીય ક્રમ મેળવ્યો છે અને તૃતીક ક્રમ બી.એ. સેમ.-૪ની વિદ્યાર્થિની કુ. હીરલ સાદિયાએ મેળવ્યો છે.