ભારતના હીરાઉદ્યોગમાં શ્રી રામકૃષ્ણ ડાયમંડ્સના ચૅરમૅન ગોવિંદભાઈ ધોળકિયા એ મુઠ્ઠી ઊંચેરું નામ ગણાય છે. ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં એમણે આગવી કાર્યપદ્ધતિ અને આધ્યાત્મિક સ્વભાવને લઈને આગવી ઓળખ ઊભી કરી છે. મૂળ અમરેલીના દૂધાળાના વતની ગોવિંદભાઈએ સાઠના દાયકામાં નાની ઉંમરે હીરા ઘસવાી કારકિર્દીની શરૂઆત કરી હતી અને સંઘર્ષ કરીને તળિયેથી ટોચે પહોંચીને હીરાઉદ્યોગમાં ઈતિહાસ રચી દીધો હતો.
સાત ચોપડી ભણેલા ગોવિંદભાઈએ આગવી સૂઝબૂઝ અને પ્રામાણિકતાપૂર્વક ‘એસઆરકે’ એમ્પાયરનું નિર્માણ કર્યું, જેમાં આજની તારીખે છ હજાર કર્મચારી કામ કરે છે.
એક સફળ ઉદ્યોગપતિ ઉપરાંત એમની સિદ્ધાંતપૂર્વકની આગવી જીવનશૈલી, શ્રીમંત હોય કે ગરીબ દરેક સાથે સમવ્યવહાર… ગોવિંદભાઈની જીવવાની આ ફિલોસોફી અને સામાજિક કાર્યોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં અમદાવાદસ્થિત ઈન્ડ્સ યુનિવર્સિટી દ્વારા એમને માનદ્ પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી. હીરાઉદ્યોગના ગોવિંદકાકા હવેથી ડૉક્ટર ગોવિંદભાઈ ધોળકિયા તરીકે ઓળખાશે.
યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં વિવિધ અન્ડર ગ્રૅજ્યુએટ્સ પ્રોગ્રામ્સ અને પોસ્ટ ગ્રૅજ્યુએટ પ્રોગ્રામ્સના લગભગ ૪૦૦ જેટલા વિર્દ્યાીઓને પણ ડિગ્રી પ્રદાન કરવામાં આવી હતી. આ પ્રસંગે અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ગોવિંદભાઈને મળેલી ડૉક્ટરેટની ઉપાધિ વિશે એમની જીવનસફરને નજીકથી જાણતા મિત્ર કહે કે આ ડૉક્ટર એટલે દૂધાળાની ડેલીથી માંડીને દુનિયાની દરેક વ્યક્તિને માટે કલ્યાણ, સુખાકારી અને સુવિધાની ભાવના રાખનારા ડૉક્ટર… શરીરની સ્વસ્થતાને નહીં, પરંતુ મનની સ્વચ્છતાને માપે એવા ડૉક્ટર… નાની-મોટી ઈચ્છા અને અપેક્ષા પૂરી કરવા માટે ક્યારેય નૈતિકતા સાથે બાંધછોડ નહીં કરે એવા ડૉક્ટર…!
અહેવાલઃ દેવાંશુ દેસાઈ