MSME સેક્ટર માટે સારા સમાચાર, 100ની જગ્યા પર 150 કિલોવોટ સુધી મળશે ફ્રી વીજળી

MSME સેક્ટરને બુસ્ટર આપવા માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ અગાઉ MSME સેક્ટરને બુસ્ટર આપવા માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલી નીતિ હેઠળ 100 કિલોવોટ સુધીની એલટી કનેક્શન ધારકોની મર્યાદા હતી. જે હવે વધારી 150 કિલોવોટ સુધી કરવામાં આવી છે. જેનો અમલ સૌથી પહેલાં ગુજરાત રાજ્યથી કરવામાં આવશે. એલટી કનેક્શનધારકોને આપવામાં આવેલી રાહતથી નાના એકમોને મોટો આર્થિક ફાયદા સ્વરૂપ બનશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવા ભાગરૂપે નાના અને મધ્યમ કદના એકમોને બુસ્ટ આપવો જરૂરી છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા કેટકલી યોજના પણ અમલમાં મુકવામાં આવી છે. આ ઉપરાંત એમએસએમઈ સેક્ટરના ઉદ્યોગો મોટાભાગે એલટી (લો ટેન્શન) કનેક્શન જ ધરાવતા હોય છે. જેની મર્યાદા 100 કિલોવોટ (કેવીએ)ના કારણે ઘણાં એકમો તેમની ઉત્પાદન ક્ષમતા વધારી શકતા નથી. જેના કારણે એકમોને એચટી (હાઈ ટેન્શન) કનેક્શન લેવું ફરજિયાત બની જાય છે.

એચટી કનેક્શનના કારણે જે-તે એકમોએ પોતાનું ટ્રાન્સફોર્મર લેવું અનિવાર્ય બની જાય છે. તેમજ ઈલેક્ટ્રિકલ ઈન્સ્પેક્શન કરાવવું, સીટીપીટી જંક્શન બોક્સ લગાવવું, ટ્રાન્સફોર્મર માટે જગ્યા ફાળવવા સહિતના અનેક કામોના કારણે એલટી કનેક્શન ધારકોને આર્થિક બોજ પડતો હતો. જેના માટે 100 કેવીએ પાવરની મર્યાદા વધારવા વર્ષોથી ઔદ્યોગિક સંગઠનો દ્વારા રજૂઆતો કરવામાં આવતી હતી. કેન્દ્ર સરકારની નીતિ અંતર્ગત સૌપ્રથમ ગુજરાતમાં એલટી કનેક્શન ધારકોને 100 કેવીએ પાવરની મર્યાદી વધારી 150 કેવીએ કરવામાં આવી છે. જે અંગેનું સૈદ્ધાંતિક જાહેરનામું બહાર પાડી દેવાયું છે. જોકે, જર્કની મંજૂરી મળતાં જ એલટી કનેક્શન ધારકો કોઈપણ જાતના વધારાના ખર્ચ વિના 150 કેવીએ સુધીનો વપરાશ કરી શકશે.