ગણેશોત્સવ: અમદાવાદમાં ઠેરઠેર લાગ્યા છે ગણપતિજીની મૂર્તિઓનાં બજાર

અમદાવાદઃ ગણેશ ઉત્સવ આવતા મંગળવાર, 19 સપ્ટેમ્બરના રોજ શરૂ થાય એ પહેલાં અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોની ખુલ્લી જગ્યાઓમાં ભગવાન ગણપતિજીની વિવિધ મૂર્તિઓના વેચાણ માટે નાના મોટા બજાર લાગ્યા છે.

વિઘ્નહર્તા ગણપતિ બાપાની મૂર્તિઓ ગુલબાઇ ટેકરા વિસ્તારમાં બને છે અને વેચાય છે. હવે તે ચારેતરફ વિસ્તરતા શહેરના જુદા જુદા વિસ્તારોના માર્ગો પર ગણપતિની મૂર્તિઓ બનતી અને વેચાતી જોવા મળે છે.

અમદાવાદ શહેર અને આસપાસના ગામડાંઓમાં સીઝનલ ચીજવસ્તુઓના વેપાર-ધંધો કરવાને બદલે ઘણા લોકો હવે મૂર્તિઓની સાથે ઉત્સવની ઉજવણી માટેનો સામાન પણ વેચી રહ્યાં છે. આ વર્ષે ગણપતિની મૂર્તિઓના બજારોમાં મંડપ (પંડાલ)ની સામગ્રી, ડેકોરેશનનો સામાન, પૂજાની સામગ્રીનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે. 

ગુજરાત યુનિવર્સિટી પાસે વર્ષોથી ભગવાન ગણપતિની મૂર્તિઓ બનાવતા અસંખ્ય  કારીગરો રહે છે. એમાંના એક, રોહિતભાઈ ‘ચિત્રલેખા.કોમ’ને કહે છે, ‘આ વર્ષે અમારા વિસ્તારમાં અમે બનાવેલી મૂર્તિઓ એકદમ અલગ છે. એમાં ગણેશજીના જુદા જુદા સ્વરૂપોની સાથે અલગ પ્રકારના મટીરીયલ સાથે એને બનાવવામાં આવી છે. પ્લાસ્ટિકના ફૂલો જેવા મટીરીયલથી પિતાંબર તૈયાર કરાયું છે. સુરતથી ખાસ મંગાવેલી જરીથી મૂર્તિઓ પર જરીકામ કરવામાં આવ્યું છે. નાની મોટી એક્સક્લુઝિવ મૂર્તિઓ બનાવતા અમને છ માસ કરતાં વધારે સમય લાગ્યો છે.’

સાણંદ નજીક આવેલા મણીપુર પાસે એક અનોખા ગ્રુપ સાથે નેચરલ માટી અને રંગો સાથે મૂર્તિઓ તૈયાર કરતાં સ્નેહા જાની વ્યવસાયે આર્કિટેક્ટ છે. ઘણાં વર્ષોથી તેઓ લોકોને નિસર્ગ સાથે જોડવાના પ્રયાસ કરે છે.

સ્નેહા જાની કહે છે, ‘કુદરતી રીતે મેળવેલી માટીમાંથી મૂર્તિઓ તૈયાર કરવાથી ફરી એ કુદરતમાં જ ભળી જાય છે. લુહારીકામ, સુથારીકામ, માટીનું કામ એ આપણું પરંપરાગત જીવન આપણને સમાજ, વિજ્ઞાન, પર્યાવરણ સાથે જોડે છે. એટલે અમારી સાથે જોડાયેલા લોકો સંસ્કૃતિ અને કુદરતને  માને છે. ગણેશોત્સવ પહેલાં મળતી કુદરતી માટી, રંગો અને વનસ્પતિને એકઠી કરી ગણેશજીની મૂર્તિઓ બનાવીએ છીએ. ત્યારપછી ગણેશ વંદનાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરી એ પ્રદર્શનમાં લોકોને  સંસ્કૃતિ અને સમાજ સાથે જોડવાનો અમે પ્રયાસ કરીએ છીએ.’

(પ્રજ્ઞેશ વ્યાસ)