જગત આખાયના કેટલાય દેશમાં પ્રત્યક્ષ અને પરોક્ષ યુધ્ધ ચાલી રહ્યા છે. જાતિ, ઘર્મ, પ્રાંત, સીમાઓ માટે સતત લડતી દુનિયામાં કેટલાક લોકો અહિંસાના સમર્થક થઈને ઉભરી આવે છે.
ભારત માટે અહિંસક ચળવળ કરી આઝાદી અપાવવા માટે ગાંધીજીનું નામ મોખરે છે. બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે વિશ્વ શાંતિ માટે અનેક કાર્યક્રમો થાય છે. અમદાવાદ શહેરના શિવાનંદ આશ્રમમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા શાંતિ માટે એક પોસ્ટર કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધાના નિર્ણાયક હિરલ શાહ ચિત્રલેખા.કોમને કહે છે ‘પીસ વિધાઉટ લિમિટ્સ’ પોસ્ટર કોમ્પિટિશનમાં શહેરના 125 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. જેમાં આશ્રમ રોડ પર આવેલી મુક બધિર શાળાના બાળકો પણ હતા. આ સાથે શહેરની જુદા જુદા વિસ્તારની શાળાના બાળકોએ ભાગ લઈ શાંતિના વિષય પર સુંદર ચિત્રો પોસ્ટર સ્વરૂપે તૈયાર કર્યા હતા.વિશ્વ શાંતિના દૂત કબુતર, ગાંધીજી અને તમામ દેશો હિંસાથી બચે એવા સંદેશા સાથેના ચિત્રો બાળકો દ્વારા બનાવવામાં આવ્યા હતા.
‘પીસ વિધાઉટ લિમિટ્સ’ કાર્યક્રમનું આયોજન શીલાબહેન દરબાર, દક્ષેશ સોની દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શિવાનંદ આશ્રમના અરુણ ઓઝા, દિપક ત્રિવેદી, અનિતા વિજય બાલિયા/તેજસ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
(પ્રજ્ઞેશ વ્યાસ)