જૂનાગઢઃ ભવનાથ ક્ષેત્રના મહાશિવરાત્રિ મેળાને વિશેષ દરજ્જો આપીને રાજ્ય સરકારે આ મેળાને ગિરનાર શિવરાત્રિ કુંભમેળા તરીકે દિવ્ય અને ભવ્ય રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. તારીખ ૨૭મી ફેબ્રુઆરીથી તારીખ ૪થી માર્ચ દરમિયાન હિમાલયના પ્રપિતામહ એવા ગિરનારના સાનિધ્યમાં મહાશિવરાત્રિ કુંભમેળો યોજાશે.
પ્રવાસન પ્રધાન ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, ભક્તિ ભોજન અને ભજનના આ ભવ્ય મેળામાં સાધુસંતો, મહંતો, સંન્યાસીઓ, સિદ્ધસાધકો અને વિશાળ લોકસમુદાય ભાગ લેશે. રોહિણી નક્ષત્રમાં પ્રભાસ તીર્થ ક્ષેત્રે ચંદ્ર શિવ અને સમુદ્રનો મિલાપ થશે.
ઇશ્વર સાથે એકાકારના અનેરા અવસરની વિગતો આપતા ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, ૨૬મી ફેબ્રુઆરીએ બપોરે ૨.૦૦ વાગ્યે સંત નગર પ્રવેશ થશે. જૂનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિરથી ભવનાથ જૂના અખાડા સુધીની શોભાયાત્રા યોજાશે. જ્યારે ૨૭મી ફેબ્રુઆરીએ સવારે ૯:૦૦ વાગ્યે રાજ્યપાલ ઓ.પી કોહલીની ઉપસ્થિતિમાં વરિષ્ઠ સાધુસંતોની નિશ્રામાં શ્રીફળ અને ભવ્ય શંખ આરતી દ્વારા મેળાનો શુભારંભ થશે. આ પ્રસંગે ધ્વજારોહણ, ૫૧ લાખ રૂદ્રાક્ષના શિવલિંગનું પૂજન અને પ્રવેશદ્વારનુ નામકરણ કરાશે. સાંજે છ વાગ્યે ભવનાથ મંદિર પાછળ ઓપન એર થિયેટરમાં લેઝર શો નો આરંભ અને રાત્રે આઠ વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
તારીખ ૨૮મી ફેબ્રુઆરી, ગુરુવારે બપોરે ૩:૦૦ વાગ્યે ગિરનાર રોપ વેના સાધનોની પ્રદર્શની યોજાશે. સાંજે ચાર વાગે ભૂતનાથથી ભવનાથ સુધી ડમરુ યાત્રા નીકળશે. રાત્રે આઠ વાગ્યાથી જાણીતા કલાકાર ભરતભાઈ બારૈયા અને શીતલબેન બારોટ શિવતાંડવ અને શિવ ઉપાસના પ્રસ્તુત કરશે. આ પ્રસંગે આર.સી.ફળદુ અને દિલીપકુમાર ઠાકોર ઉપસ્થિત રહેશે.
ગિરનાર શિવરાત્રિ કુંભમેળામાં તારીખ ૧ માર્ચે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં સામાજિક સમરસતા વિષય પર પ્રમુખ સંતો સાથે ધર્મ સંમેલન યોજાશે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં આ ધર્મ સંમેલન યોજાશે. ભારતના અને ગુજરાતના અનેક પ્રમુખ સંતો-મહંતો આ ધર્મ સંમેલનમાં ભાગ લેવા ગિરનાર શિવરાત્રિ કુંભમેળામાં પધારશે. રાત્રે ૮ વાગ્યાથી આંતરરાષ્ટ્રીય ગાયક પદ્મશ્રી કૈલાશ ખેરનો કાર્યક્રમ યોજાશે.
તારીખ બીજી માર્ચે શનિવારે દીદી સાધ્વી ઋતંભરાજીની અધ્યક્ષતામાં નારી શક્તિ વિષય પર પ્રમુખ સંતો સાથે ધર્મસંમેલન યોજાશે. જૂનાગઢના ભવનાથ ખાતે પ્રકૃતિધામમાં બપોરે ત્રણ વાગ્યાથી યોજાનારા આ ધર્મ સંમેલનમાં યાત્રાધામ વિકાસ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે ઉપસ્થિત રહેશે. સાંજે ૬.૩૦ વાગ્યે લેસર શો અને રાત્રે ૮.૦૦ વાગ્યાથી ભજન સમ્રાટ કીર્તિદાન ગઢવી અને હાસ્ય કલાકાર માયાભાઇ આહિરનો લોક ડાયરો યોજાશે.
તારીખ ૩જી માર્ચને રવિવારે લોકલાડીલા રામ કથાકાર મોરારી બાપુ અને શારદાપીઠ દ્વારકાના પ.પૂ. દંડીસ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજની અધ્યક્ષતામાં વ્યસન મુક્તિ વિષય પર ભારતના પ્રમુખ સંતો સાથે ધર્મ સંમેલન યોજાશે. પ્રકૃતિધામ, ભવનાથ ખાતે બપોરે ત્રણ વાગ્યાથી યોજાનારા આ ધર્મ સંમેલનમાં કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન પુરૂષોત્તમભાઈ રૂપાલા અને રાજ્યના શિક્ષણમંત્રી પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે વિશાલ જોષીના મુક્તક ‘દિવ્ય તીર્થક્ષેત્ર ગિરનાર’નું વિમોચન થશે. સાંજે ૭.૦૦ વાગ્યે દામોદર કુંડ ખાતે મહા આરતી યોજાશે. રાત્રે આઠ વાગ્યાથી લોકસાહિત્યના મર્મજ્ઞ પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી અલભ્ય આરાધક બિરજુ બારોટ તથા કોકિલ કંઠી ગીતાબેન રબારીનો લોકડાયરો યોજાશે.
ગિરનાર શિવરાત્રિ કુંભ મેળા દરમ્યાન સાધુ સંતોની દિવ્ય રવાડી તા. ૪થી માર્ચે, સોમવારે યોજાશે. સાધુઓના આસન, યોગ, કરતબ, હાથી-ઘોડા, બેન્ડવાજા, અંબાડી સાથેની રવાડી પર ડ્રોનથી પુષ્પવર્ષા થશે. રાત્રે ૧૦.૦૦ થી ૧૨.૦૦ દરમિયાન સાધુ-સંતોની રવાડી અને શાહીસ્નાન યોજાશે. આ પ્રસંગે જયેશભાઇ રાદડીયા, કુંવરજીભાઈ બાવળીયા અને જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમા ઉપસ્થિત રહેશે.
રાજ્ય સરકારે ગિરનાર શિવરાત્રિ કુંભ મેળાના વિશેષ આયોજન માટે રૂ. ૧૫ કરોડનું ફાળવ્યું છે. સમગ્ર આયોજન સુપ્રસિદ્ધ સંતો-મહંતોના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢના સહયોગથી કર્યું છે. નાગરિકોને આ દિવ્ય-ભવ્ય ઉજવણીમાં સહભાગી થવા રાજ્ય સરકારે નાગરિકોને આમંત્રણ પાઠવ્યું છે.