ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ઊર્જામંત્રી કનુ દેસાઈએ રાજ્યના વીજ ઉત્પાદન અને વિતરણ અંગે મહત્વની જાણકારી આપી. રાજ્યમાં સરકારી વીજ કંપનીઓની સુચારુ કામગીરી અને મજબૂત વીજ માળખાને ધ્યાને રાખીને, કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા દેશની 42 સરકારી વીજ વિતરણ કંપનીઓમાં ગુજરાતની ચારેય વીજ વિતરણ કંપનીઓને A+ રેટિંગ આપવામાં આવ્યું છે.
આમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) પ્રથમ, મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL) દ્વિતીય, ઉત્તર ગુજરાત વીજ કંપની (UGVCL) તૃતીય, અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની (PGVCL) પાંચમા ક્રમે રહી છે. ઉર્જામંત્રીએ જણાવ્યું કે ઝૂંપડા વીજળીકરણ યોજના અંતર્ગત 1997થી ડિસેમ્બર 2024 સુધીમાં, રાજ્યમાં 10,96,581 પરિવારોને ઘર વપરાશ માટે વીજ જોડાણ આપવામાં આવ્યું છે, જેના માટે 583.34 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 1419 લાભાર્થીઓને રૂ. 65.43 લાખના ખર્ચે વીજ જોડાણ આપવામાં આવ્યું છે.
આ અંગે મંત્રીએ માહિતી આપતાં જણાવ્યું કે રાજ્યના તમામ વિસ્તારના કોઈ પણ જ્ઞાતિના ગરીબ લાભાર્થીઓ પૈકી શહેરી વિસ્તારમાં રૂપિયા 1,50,000 સુધીની વાર્ષિક આવક ધરાવતાં તથા ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા 1,20,000 સુધીની વાર્ષિક આવક ધરાવતાં લાભાર્થીઓ આ યોજના હેઠળ ઘર વપરાશનું વીજજોડાણ મેળવી શકે છે. આ યોજના હેઠળ ઘરવપરાશના વીજ જોડાણ માટે લેવા માટે અરજદારો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા પંચાયત કચેરીએ, જ્યારે શહેરી વિસ્તારોમાં નગર પાલિકાએ નોંધાવેલી અરજી વીજ વિતરણ કંપનીની સંલગ્ન ક્ષેત્રીય કચેરી દ્વારા અરજદારનો સંપર્ક કરી, જરૂરી દસ્તાવેજો મેળવીને વીજ જોડાણ આપવાની કામગીરી કરવામાં આવે છે. જેના માટેનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવે છે, જ્યારે લાભાર્થીએ ઘરવપરાશના વીજજોડાણ માટે કોઈ જ રકમ ભરપાઈ કરવાની રહેતી નથી.
