અમદાવાદ: સૌરાષ્ટ્રના કદ્દાવર નેતા અને પોરબંદર બેઠક પરથી પૂર્વ સાંસદ રહી ચૂકેલા વિઠ્ઠલ રાદડિયાનું લાંબી બિમારી બાદ નિધન થયું છે. તેમણે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા પોતાના ઘરે આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. ભાજપના પૂર્વ સાંસદ રાદડિયા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. કેન્સર સામે લાંબા સમયથી લડી રહેલા રાદડિયાએ અમેરિકામાં તેની સારવાર પણ લીધી હતી.
વિઠ્ઠલ રાદડિયાના દીકરા અને ગુજરાત સરકારમાં કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ પોતાના ફેસબુક પેજ પર આ અંગે સત્તાવાર જાહેરાત કરતા લખ્યું છે કે, સ્વ. વિઠ્ઠલ રાદડિયાના અંતિમ દર્શન મંગળવારે સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી કન્યા છાત્રાલય જામકંડોરણા ખાતે કરી શકાશે, અને તેમની અંતિમ વિધિ મંગળવારે બપોરે 1 વાગ્યે તેમના જામકંડોરણા સ્થિત નિવાસસ્થાનેથી નીકળશે.
વિઠ્ઠલ રાદડિયા વર્ષ 2014થી 2019 સુધી સાંસદ રહી ચુક્યા છે. વિઠ્ઠલ રાદડિયા છેલ્લે પોરબંદરમાંથી સાંસદ હતા. 2019ની લોકસભાની ચૂંટણીમાં બીમારીને કારણે ભાજપ તરફથી તેમના બદલે રમેશ ધડૂકને ટિકિટ આપવામાં આવી હતી.
વિઠ્ઠલ રાદડિયા છ વખત ધારાસભ્ય તેમજ એક વખત સાંસદ રહી ચુક્યા છે. 1994માં તેમણે પ્રથમ વખત ધારાસભ્યની ચૂંટણી લડી હતી. છેલ્લે 2014થી 2019 સુધી તેઓ ભાજપની બેઠક પરથી પોરબંદરના સાંસદ હતા. રાજકારણમાં આવ્યા પહેલા તેઓ સામાજિક કાર્યકર હતા. તેમના વતનમાં જામકંડોરણમાં તેઓ પોતાના ટ્રસ્ટના નામે અનેક સ્કૂલો ચલાવે છે.
વિઠ્ઠલ રાદડિયાએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ભાજપ સાથે કરી હતી. જે બાદમાં તેઓ શંકરસિંહની રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ત્યારબાદ તેઓ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હતા. વર્ષ 2013માં તેઓ ફરીથી ભાજપમાં જોડાયા હતા. વિઠ્ઠલ રાદડિયા IIFCOના ડિરેક્ટર તેમજ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના ચેરમેન પણ રહી ચુક્યા છે.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પ્રદેશ ભાજપાના દિગ્ગજ નેતા, ખેડૂત પુત્ર અને પોરબંદરના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયાના નિધન પર શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં દાયકાથી સેવાના ભાવ સાથે જાહેરજીવનમાં કાર્યરત એવાં શ્રી વિઠ્ઠલભાઇ રાદડીયાના નિધનથી ભાજપાએ એક દિગ્ગજ નેતા ગુમાવ્યા છે. ખેડૂતોના હિત માટે સદાય સક્રિય રહી વિઠ્ઠલભાઈ રાદડિયાએ સહકારીક્ષેત્રના માધ્યમથી વર્ષો સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોની સેવા કરી છે.તેઓશ્રીના નિધનથી સહકારીક્ષેત્ર અને ગુજરાતના જાહેર જીવનને ખૂબ મોટી ખોટ પડી છે.