અમદાવાદના એક એપાર્ટમેન્ટમાં લોકોએ એક એવું બોક્સ વસાવ્યું છે જેમાં માર્કેટમાંથી લાવવામાં આવેલી વસ્તુઓ તેમજ ખાદ્યપદાર્થો મૂકતાંવેત જ ૪૦ સેકન્ડમાં જ ડીસઈન્ફેક્ટ થઈ જાય છે. હાલ સર્વત્ર ફેલાયેલ કોરોના વાઈરસના પ્રકોપને કારણે બજારમાંથી લાવવામાં આવેલ શાકભાજી કે કરિયાણાને દરેક લોકો ઘરે જઈને જંતુમુક્ત કરી રહ્યાં છે. શાકભાજીને ખાવાના સોડા તેમજ મીઠાવાળા પાણીમાં પલાળવાથી માંડીને કરિયાણાની સામગ્રીના બોક્સ કે પેકેટને ડિટર્જન્ટ તેમજ બ્લીચના પાણીમાં પલાળેલા કાપડથી લૂછીને ડીસઈન્ફેક્ટ કરવામાં આવે છે. આમ જોવા જઈએ તો આ બધું ઘણું કડાકૂટભર્યું કામ છે. પણ વાયરસના ચેપના જોખમને ટાળવા માટે આટલું કામ તો કરવું જ રહ્યું.
આ સમય દરમ્યાન અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા સ્ટેટસ ટાવર નામના એપાર્ટમેન્ટના લોકોએ એક અનોખો પ્રયોગ કર્યો છે. બહારથી લાવવામાં આવેલી કોઇપણ વસ્તુ અને ફૂડ આઈટમ્સને તેઓ એકસાથે જંતુરહિત કરી લે છે. એટલે કે, એક મોટાં બોક્સની અંદર બહારથી લાવવામાં આવેલી વસ્તુઓને 40 સેકંડ માટે મૂકવામાં આવે છે. 40 સેકંડમાં આ બધી વસ્તુઓ જંતુમુક્ત થઈ જાય છે!
આ હાઉસિંગ સોસાયટીના ૫૧ વર્ષીય સેક્રેટરી, નીરજ કુમાર સિંહ જેઓ પોતાની ફાર્મા કંપની ધરાવે છે. તેમણે એક દૈનિકને જણાવ્યું, ‘બહારથી લાવવામાં આવેલા શાકભાજી અને અન્ય ખાદ્ય પદાર્થો એક મોટા બોક્સમાં મૂકવામાં આવે છે અને એની અંદરની યુવી લાઈટ્સને ૪૦ સેકન્ડ માટે ચાલુ કરવામાં આવે છે. આટલા સમયમાં એટલે કે, ૪૦ સેકન્ડમાં શાકભાજી તેમજ અન્ય વસ્તુઓમાંના બેક્ટેરિયા તેમજ વાયરસનો નાશ થઈ જાય છે, કોવિડ-19ના વાયરસનો સુદ્ધાં તેમાં નાશ થાય છે!’
સિંહ વધુમાં જણાવે છે, ‘આ બોક્સ ચાલુ હોય તે દરમ્યાન કોઈએ પોતાના હાથ બોક્સની અંદર નહીં નાખવા. કોઈ ભૂલથી ચાલુ લાઈટમાં અંદર હાથ ના નાખે તે માટે અમે આ પેટીમાં એવા સેન્સર લગાડી દીધા છે કે, ભૂલેચૂકે જો બોક્સ ખુલ્લું રહી ગયું હોય તો, બોક્સની અંદરની લાઈટ ચાલુ જ ના થાય!
આ બોક્સ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો એના જવાબમાં સિંહ જણાવે છે કે, ‘તેમને અને તેમની ટીમને એવો વિચાર આવ્યો કે કોઈ વસ્તુ વાયરસ વાહક છે કે નહીં તે કોઈપણ રીતે સમજાય એવું નથી. ત્યારે વિચાર આવ્યો કે, એવું ઉપકરણ બનાવવામાં આવે, જેની અંદર વસ્તુ મૂકતાં જ તે વસ્તુ જંતુમુક્ત થઈ જાય.’
ઉપરાંત તેઓ જણાવે છે, ‘મારો દીકરો અનમોલ રાજ, જે 21 વર્ષનો છે. તેણે યુકે તેમજ યુએસમાં અભ્યાસ કર્યો છે. તે એવા તારણ પર આવ્યો છે કે, યુવી લાઈટ્સના કારણે ખાવાની વસ્તુ એકદમ સુરક્ષિત રહે છે. ફક્ત માનવ શરીર પર એની ઘાતક અસર થાય છે. એટલે કે, ચામડી પર રેશિઝ થાય છે અને રેટિનાને પણ અસર કરે છે. તેમજ પ્રાણીઓ માટે પણ તે ઘાતક છે.’
‘અમે આ બોક્સમાં આઠ યુવી લાઈટ્સ એ રીતે લગાવી છે કે, બોક્સના ખૂણા ખૂણા સુધી લાઈટ પહોંચે. બોક્સમાં સેન્સર એ રીતે લગાડ્યા છે કે, બોક્સ ખુલ્લું રહી જાય તો યુવી લાઈટ ચાલુ જ ના થાય.’
‘અમે સોસાયટીની દરેક વ્યક્તિને સૂચના આપી છે કે, બહારથી કોઈ વસ્તુ લાવ્યા બાદ તેને આ બોક્સમાં મૂકીને જંતુ મુક્ત કરી લેવી.’ આ જ એપાર્ટમેન્ટમાં રહેતાં ડોક્ટર પ્રિયંકા બહલ કહે છે, ‘યુવી લાઈટ્સ જો વધુ તેજ હોય તો શરીર માટે ઘણી ઘાતક નીવડે છે. પરંતુ આ બોક્સમાં યુવી લાઈટનું પ્રમાણ હલકું છે. એમાંની Intensity safe છે. જેથી બોક્સ પૂરી રીતે સુરક્ષિત છે.’