અમદાવાદ- બ્રેમ્પટન: ફ્રેન્ડઝ ઓફ ગુજરાત- કેનેડાએ ‘ગુજરાત રાજ્યના સ્થાપના દિન’ પ્રસંગે તેના સભ્યોને વતનની નિકટ લાવવાની તક પૂરી પાડવા માટે ગત રવિવારે એક ખાસ ઉજવણીનું આયોજન કર્યુ હતું. આ ખાસ પ્રસંગે બ્રેમ્પટન, ઓન્ટારિયોની ચિંગુઆકોઝી સેકન્ડરી સ્કૂલ ખાતે ઉગતાં કલાકારોએ સુગમ સંગીત અને ગરબાના વિવિધ કાર્યક્રમો મારફતે કલાના વિવિધ સ્વરૂપોનો વારસો રજૂ કર્યો હતો.
એફઓજી કેનેડાએ યુવાનોને આ કાર્યક્રમમાં સક્રિયપણે સામેલ કરીને પ્રોત્સાહન આપવાની જવાબદારી ઉપાડી લીધી હતી. એફઓજી કેનેડાના પ્રેસિડેન્ટ અખિલ શાહે જણાવ્યું હતું કે “કેનેડાના ગુજરાતી સમુદાયના જાણીતા મહાનુભાવોએ પોતાનો સમય ફાળવીને રાજ્યના આર્થિક વિકાસમાં અને વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી દ્વારા યોગદાન આપ્યું છે, જે અમારા માટે ખૂબ જ ગૌરવનો વિષય છે.”
આ ઉપરાંત આ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સન્માનવા માટે એક એવોર્ડ સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં અનુક્રમે મહિલા અને પુરુષ વિભાગમાં કુ. ખુશી દવે અને શાલીન પરીખનું યંગ એચિવર્સ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. રાજેશ પરીખને ઇમર્જિંગબિઝનેસ લીડર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અંબરીષ ઠક્કરનું આંત્રપ્રિન્યોર તરીકે સન્માન કરવામાં આવ્યું હતું અને હરેન સેઠની પસંદગી લાઈફ ટાઈમ એચીવમેન્ટ કેટેગરીમાં કરવામાં આવી હતી. અંગિરાસ શુક્લનું તેમણે સમુદાયની ઉત્તમ સેવા કરીને આપેલા યોગદાન બદલ બહુમાન કરવામાં આવ્યું હતું. હેમેનમોદીને ક્રિએટિવ એન્ટરપ્રેનર એવોર્ડ એનાયત કરાયો હતો.
આ સમારંભમાં ઉચ્ચસ્તરે બિરાજતા મહાનુભવોએ હાજરી આપીને સમારંભની શોભામાં અભિવૃધ્ધિ કરી હતી. શહેર અને ફેડરલ ગવર્નમેન્ટના વિવિધ વહિવટકર્તાઓ સહિત ઘણા રાજકારણીઓએ આ સમારંભમાં હાજરી આપી હતી, જેમાં બ્રેમ્પટનના માન. મેયર પેટ્રીક બ્રાઉન, બ્રેમ્પટનના સંસદ સભ્ય કુ. રૂબી સહોટા, સાઉથ બ્રેમ્પટનના સંસદ સભ્ય કુ. સોનિયા સિધુ, વેસ્ટ બ્રેમ્પટનના સંસદ સભ્ય અમરજોતસંધુ, બ્રેમ્પટનના રિજીયોનલ કાઉન્સીલર ગુરપ્રીત સિંઘ ધિલોન, બ્રેમ્પટનના સીટી કાઉન્સીલર (વોર્ડઝ 9 અને 10) હરકીરત સિંઘની સાથે સાથે બ્રેમ્પટનના કાઉન્સીલર જેફ બાઓમેન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સમાપન પરંપરાગત સ્વાદિષ્ટ ગુજરાતી ડીનર સાથે પૂર્ણ થયું હતું, જે હાજર રહેનાર મહાનુભાવોમાં ગુજરાતની સાત્વિક છાપ છોડી ગયું હતું.
પહેલી મેના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિન પ્રસંગે એફઓજી દ્વારા ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવીને પ્રાસંગિક ઉજવણી પણ કરવામાં આવી હતી.
ગુજરાતીઓ તેમના વ્યાપારિક પ્રકૃતિ અનેમાર્કેટીંગના ઉત્તમ કૌશલ્ય માટે જાણીતા છે. સાથે જ આહાર પ્રેમ, સંબંધોમાં નિષ્ઠા માટે પણ જાણીતા છે અને હંમેશા મદદરૂપ થવાનો સ્વભાવ ધરાવે છે. વિદેશમાં વસતાં ગુજરાતીઓ અનેક સમાજ, ક્લબ અને સામાજીક જૂથોની રચના કરીને સંગઠિત રહ્યાં છે અને પોતાના વિચારોની અભિવ્યક્તિ તેમજ તહેવારોની હૃદયપૂર્વક ઉજવણી કરતાં રહ્યાં છે.
ફ્રેન્ડઝ ઓફ ગુજરાતની શરૂઆત વર્ષ 2014માં ગુજરાતીઓની સંગઠિત રહેવાની ભાવના સાથે કરવામાં આવી હતી. એક સમુદાય તરીકે ગુજરાતીઓ સફળ રહ્યાં છે, પરંતુ રાજકીય, આર્થિક, સામાજિક અને વૈધાનિક તથા ન્યાય ક્ષેત્રના વર્તુળોમાં તેમનો અવાજ વર્તાતો નથી.
આ વિચારને આધારે એફઓજી કેનેડાનો એક સંગઠન તરીકે ધબકતાં ગુજરાતી સમુદાયને એક જૂથ કરવાના હેતુથી પ્રારંભ થયો છે. બિનનિવાસી ગુજરાતીઓ તેમના વતનમાં પણ ખૂબ જ ઉત્સાહી અને કશુંક નવું કરવાની ભાવના ધરાવતા રહ્યાં છે. એફઓજી કેનેડાનું વિઝન આ ધબકતાં સમુદાયને જીવંત બનાવવાનું અને સાથે મળીને સંગઠિત રીતે દરેક કદમે વિકાસ સાધવાનું સપનું સાકાર કરવાનું રહ્યું છે.