અમદાવાદ- શહેરમાં ટ્યૂશન ક્લાસીસમાં આગની ઘટના બની છે. જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્સમાં ભીષણ આગ લાગી હતી. આ કોમ્પ્લેક્સમાં ટ્યૂશન ક્લાસ ચાલતાં હોવાથી 16 જેટલા બાળકો ફસાયાં હતાં. તેમને ભારે જેહમત બાદ બચાવી લેવાયાં હતાં. જીવરાજપાર્ક અમદાવાદનો મધ્યમવર્ગીય વિસ્તાર છે. આસપાસના રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં ધુમાડાના કારણે ભારે તકલીફ પડી હતી.
ભારે પવનને કારણે કોમ્પલેક્સમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. સ્થાનિક લોકોએ ટ્યુશન ક્લાસીસના અમુક બાળકોને બચાવી લીધા છે. આગ અંગે જાણકારી મળ્યા બાદ ફાયરબ્રિગેડ પણ ઘટનાસ્થળે દોડી ગયું હતું. ફાયર બ્રિગેડની છ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
મળતી માહિતી પ્રમાણે કોમ્પલેક્સ ખાતે આવેલા પી.યુ. ફોમના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી હતી. આ ગોડાઉન ગેરકાયદે ધમધમતું હોવાની પણ માહિતી મળી છે. આ ગોડાઉનને બંધ કરવાની પણ નોટિસ આપવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.