સ્માર્ટસિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ ઉપર પાન-મસાલા ખાઈ થૂંકનારાના ફોટા સાથે ઈ-મેમો મોકલવાની જાહેરાત કરાઈ હતી. વિવિધ ચાર રસ્તા ઉપર સી.સી.ટી.વી.કેમેરા સ્માર્ટસિટી પ્રોજેકટ અંતર્ગત લગાવાયા છે. તેમ છતાં રોડ ઉપર થૂંકનારા માત્ર પંદર લોકોને ઝડપી ઈ-મેમો આપીને રુપિયા ત્રણ હજાર પેનલ્ટી વસૂલ કરાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટસિટી પ્રોજેકટ અંતર્ગત શહેરના વિવિધ ટ્રાફિક જંકશન ઉપર ત્રણ હજારથી વધુ સી.સી.ટી.વી.કેમેરા લગાવવામાં આવેલા છે. આ કેમેરાનો ઉપયોગ કરી રોડ ઉપર પાન-મસાલા ખાઈ થૂંકનારાને ફોટા સાથે ઈ-મેમો મોકલવાની જાહેરાત કરવામા આવી હતી. શુક્રવારે સવારે શહેરના લો-ગાર્ડન, ચાંદખેડા, ગરીબનગર, ફુટબોલ ગ્રાઉન્ડ ઉપરાંત વિશાલા, એન.આઈ.ડી. ઉપરાંત ભૂલાભાઈ પાર્ક સહિતના વિસ્તારમાં આવેલા સ્માર્ટસિટી કેમેરાની મદદથી 12 જેટલા ટુ વ્હીલર, એક થ્રી વ્હીલર ઉપરાંત બે કાર ચાલકો એમ કુલ મળીને પંદર લોકોએ વાહન હંકારતી વખતે ચાર રસ્તા ઉપર પાન-મસાલાની પિચકારી મારી રોડને ગંદો કરતા રુપિયા 200 લેખે તેમની પાસેથી પેનલ્ટી વસૂલ કરવામાં આવી હતી.