રાજ્યમાં એક બાજુ સ્કૂલ વર્ધી વાહન ચાલોક તંત્ર સામે મેદાને ઉતર્યા છે. સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વેન ચાલકોએ અચોકસ અમુદ્દત સુધીના આદોલંદનનું એલાન કર્યું છે. ત્યારે ગુજરાતની સરકારી-ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ મોટા પ્રમાણમાં ખાલી છે. સરકારે કાયમી ભરતી કરવાને બદલે ગત વર્ષે જ્ઞાન સહાયકની યોજના લાગુ કરીને 11 મહિના માટે કરાર આધારીત શિક્ષકોની ભરતી કરતા રાજ્યભરમાં ઉગ્ર વિરોધ સાથે રોષ ભભૂકી ઉઠ્યો હતો. હાલ હજારો ઉમેદવારો આ કરાર આધારીત ભરતીમાં જોડાવવા માટે તૈયાર નથી અને કાયમી ભરતીની જ માગ સાથે આજે ગાંધીનગરમાં TET-TAT પાસ ઉમેદવારોએ આંદોલન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે અનેક વખત રાજ્ય સરકારમાં આ ઉમેદવારો રજૂઆત કરી ચૂક્યા છે પણ કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી.
રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી કાયમી શિક્ષકની ભરતીની માગ સાથે ગાંધીનગરમાં એકઠા થયેલા TET-TAT પાસ ઉમેદવારોએ હલ્લાબોલ કરી સૂત્રોચ્ચાર કરતા પોલીસ દ્વારા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી. ઉમેદવારોએ વિરોધ કરતા પોલીસે ટીંગોટોળી કરી પોલીસનાં વાહનોમાં બેસાડ્યા હતા.ત્યારે ગાંધીનગર શહેરમાં ટેટ-ટાટના ઉમેદવારોએ ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે. શહેરમાં ઉમેદવારો રસ્તાઓ રોકીને વિરોધ નોંધાવી રહ્યા છે. સત્યાગ્રહ છાવણીમાં ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે પોલીસે પરવાનગી ના આપતા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને જૂના સચિવાલય ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ઉમેદવારોના આંદોલનને હવે વિવિધ રાજકીય પક્ષોએ પણ સમર્થન જાહેર કર્યુ છે.
ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોના આંદોલનમાં કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ જોડાયા હતા. મેવાણીએ કહ્યું હતું કે, ગુજરાત સહિત ભારતમાં બેરોજગારીનો પ્રશ્ન ચરમસીમાએ છે. રાજ્ય સરકાર ખાલી પડેલાં પદો પર તો ભરતી કરતી નથી. TET-TATના ઉમેદવારો લાંબા સમયથી રજૂઆત કરી રહ્યા છે. 70 હજારથી વધુ શિક્ષકોની ઘટ છે. ત્યારે 90 હજાર TET-TAT પાસ ઉમેદવારોને કાયમી નોકરી આપો.